ડભોઈ તાલુકાના તરસાણામાં પડતર ખેતરમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળતા ચકચાર

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઈ તાલુકાના તરસાણા વિસ્તારમાં આવેલી જેડી રેસીડેન્સી પાસેના એક પડતર ખેતરમાંથી આશરે ૩૦ વર્ષીય અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. સ્થાનિક લોકોએ મૃતદેહ જોતા તાત્કાલિક ડભોઈ પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો મૃતકની ઓળખ: મહિલાની ઉંમર અંદાજિત ૩૦ વર્ષ છે. હજુ સુધી તેની કોઈ ચોક્કસ ઓળખ મળી શકી નથી પહેરવેશ: મહિલાએ શરીરે જાંબલી કલરનું ટોપ, સફેદ કલરની લેગીસ અને વાદળી રંગની ઓઢણી પહેરેલી છે.
સ્થાનિક ચર્ચાઓ: વિસ્તારના લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે આ મહિલા માનસિક રીતે અસ્વસ્થ હોઈ શકે છે, જોકે આ બાબતે સત્તાવાર પુષ્ટિ થઈ નથી પોલીસ તપાસ અને કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ ડભોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
તપાસના મુદ્દા: આ મોત પાછળનું ચોક્કસ કારણ શું છે? આ હત્યા છે કે આત્મહત્યા? તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
ટીમોની રચના: મહિલા કોણ છે અને ક્યાંથી આવી છે તેની ઓળખ કરવા માટે ડભોઈ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં ગુમ થયેલ મહિલાઓના રેકોર્ડ પણ તપાસવામાં આવી રહ્યા છે જેથી વહેલી તકે મૃતકની ઓળખ કરી શકાય.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
