પાટણ નગર પાલીકાના બંધ પડેલા સાધનો સત્વરે રીપેરીંગની માંગ

કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ નગર પાલિકાના બંધ પડેલા સાધનો સત્વરે રીપેરીંગ કરવાની માંગ પાટણ નગર પાલિકા દ્વારા સરકારની ગ્રાન્ટ તેમજ સ્વ ભંડોળમાંથી જરૂરી સાધનોની ખરીદી કરવામાં આવી હોવા છતાં અનેક સાધનો હાલમાં બંધ હાલતમાં પડેલા હોવાનું સામે આવ્યું છે. નગર પાલિકાની માલિકીના રોડ લોડર, સ્કાય લિફ્ટર, જે.સી.બી., મોટો રોડ સ્વીપર, બે નાના રોડ સ્વીપર સહિતના સાધનો નાની ટેકનિકલ ખામીના કારણે લાંબા સમયથી ઉપયોગ બહાર છે.
ફક્ત સામાન્ય ટેકનિકલ ખામી હોવા છતાં સમયસર રીપેરીંગ ન થવાને કારણે આ સાધનો કાર્યરત બનતા નથી, જે વહીવટી દ્રષ્ટિએ ચિંતાજનક બાબત માનવામાં આવી રહી છે. સામાન્ય સભામાં વાહન રીપેરીંગના લાખો રૂપિયાના બીલો રજૂ થતા હોવા છતાં મૂળભૂત સાધનો જ બંધ હાલતમાં હોવાના મુદ્દે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

નગર પાલિકાના કેટલાક સાધનો નિયમ મુજબ ભાડે આપવામાં આવતા હોવાથી આવકનું સાધન પણ ઉભું થાય છે. પરંતુ જરૂરી સાધનો બંધ હોવાથી નગર પાલિકાને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. સફાઈ, મરામત અને વિકાસકાર્યો પર પણ તેની સીધી અસર પડે છે. વધુમાં, તાત્કાલિક જરૂરિયાત સમયે મોંઘા ભાડે ખાનગી સાધનો મંગાવવાની ફરજ પડે છે, જેના કારણે વધારાનો ખર્ચ થાય છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નગર પાલિકા કેમ્પસમાં બંધ પડેલા સાધનોની તાત્કાલિક સ્થળ તપાસ કરી જરૂરી સૂચનાઓ આપી નાની ટેકનિકલ ખામીઓ દૂર કરીને સાધનો સત્વરે કાર્યરત કરવાની માંગ ઉઠી છે. સાધનો સમયસર કાર્યરત બનશે તો નગર પાલિકાને થતું આર્થિક નુકસાન અટકશે અને નગર સેવાઓમાં પણ ગતિ આવશે.
