રાધનપુર પોલીસ સ્ટેશનમાં દશેરા નિમિત્તે પરંપરાગત શસ્ત્ર પૂજન યોજાયું

પીઆઈ આર.બી. વાધીયા સહિત પોલીસ સ્ટાફે શસ્ત્ર પૂજન કરી જનસુરક્ષા, શાંતિ અને કાયદો-વ્યવસ્થાની જાળવણીનો સંકલ્પ વ્યક્ત કર્યો
કેપિટલ મેસેજ
Capital message
રાધનપુર : દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે પરંપરાગત શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી. વાધીયા સહિત પોલીસ સ્ટાફે ધાર્મિક વિધિ-વિધાન સાથે શસ્ત્ર પૂજન કરી જનતાની સુરક્ષા, શાંતિ અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે પ્રાર્થના કરી હતી.
કાર્યક્રમ દરમિયાન હરેશભાઈ શાસ્ત્રી દ્વારા શસ્ત્ર પૂજનની ધાર્મિક વિધિ સંપન્ન કરાવવામાં આવી હતી. પોલીસ સ્ટાફે પરંપરા અનુસાર શસ્ત્રોની પૂજા કરી ફરજ પ્રત્યેની નિષ્ઠા અને નાગરિકોની સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. દશેરાના પર્વે શસ્ત્ર પૂજન કરવાની પરંપરા અનિષ્ટ પર સત્ય અને ધર્મના વિજયનું પ્રતીક માનવામાં આવે છે.

પોલીસ વિભાગ માટે શસ્ત્રો માત્ર સુરક્ષાનાં સાધનો જ નહીં, પરંતુ કાયદાનું રક્ષણ, ગુનાખોરી સામેની કાર્યવાહી અને નાગરિકોની સલામતીની જવાબદારીનું પ્રતીક પણ છે. આવા ધાર્મિક પ્રસંગો પરંપરા સાથે ફરજ પ્રત્યેની જાગૃતિ અને જવાબદારીના સંકલ્પને પણ વધુ દૃઢ બનાવે છે.
દશેરાના પાવન પર્વે રાધનપુર પોલીસ દ્વારા શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે, નાગરિકો સુરક્ષિત રહે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ રહે તેવા શુભ આશય સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ
