રોટરી ક્લબ ઓફ રાધનપુરનો સેવાયજ્ઞ: રામનગર પ્રાથમિક શાળાના 192 વિદ્યાર્થીઓને પેન્ટ-શર્ટના કાપડનું વિનામૂલ્યે વિતરણ
પછાત વિસ્તારના વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીની લહેર છવાઈ; રોટરી ક્લબની સેવાભાવી પહેલને સરાહના
કેપિટલ મેસેજ
Capital message
31, October, 2026
રાધનપુર : રોટરી ક્લબ ઓફ રાધનપુર દ્વારા સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે બુધવાર, તા. 28 ઓક્ટોબર, 2026ના રોજ રામનગર (ભીલોટ) પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 192 વિદ્યાર્થીઓને પેન્ટ-શર્ટના કાપડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાભાવી પહેલથી શાળાના વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.
રોટરી ક્લબ ઓફ રાધનપુર દ્વારા હાથ ધરવામાં આવેલા આ સરાહનીય કાર્યનો મુખ્ય હેતુ પછાત વિસ્તારના વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનો અને તેમના ચહેરા પર સ્મિત લાવવાનો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે કપડાંનું કાપડ મળતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે રોટરી ક્લબના પ્રેસિડેન્ટ જયેશભાઈ ઠક્કર, સેક્રેટરી મહેશ રાઠોડ, પ્રોજેક્ટ ચેરમેન કલ્પેશભાઈ ઠક્કર, જયરાજસિંહ સહિત રોટરીયન મિત્રો દિનેશભાઈ પમ્પવાળા, ડૉ. વસંતભાઈ ચૌધરી, ભરતસિંહ નાડોદા અને શાંતિલાલ અખાણી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત શાળાના પ્રિન્સિપાલ કાંતિભાઈ, શાળા પરિવારના સભ્યો, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
રોટરી ક્લબના સભ્યો અને શાળા પરિવારના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના શિક્ષણ અને ઉત્સાહને પ્રોત્સાહન આપતી આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં માનવતા, સહકાર અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ, રાધનપુર
