ડભોઇ નગરમાં ટ્રાફિક સમસ્યા અને સફાઈ અભિયાન મુદ્દે વેપારી મહાજન મેદાને: નગરપાલિકાની ઉદાસીનતા સામે પ્રેસ કોન્ફરન્સ યોજી રોષ વ્યક્ત કર્યો

કેપિટલ મેસેજ
Capital message
31, October, 2026
ડભોઇ નગરમાં છેલ્લા કેટલાક સમયથી વણસી રહેલી ટ્રાફિક વ્યવસ્થા અને સફાઈની અનિયમિતતાને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર સમસ્યાઓને ઉજાગર કરવા માટે આજરોજ વેપારી મહાજન અને સ્થાનિક વેપારીઓ દ્વારા એક પત્રકાર પરિષદ (પ્રેસ કોન્ફરન્સ) બોલાવવામાં આવી હતી.વેપારી અગ્રણીઓએ પત્રકારો સમક્ષ પોતાની વ્યથા રજૂ કરતા જણાવ્યું હતું કે, વર્ષો પહેલાં નગરમાં નિયમિત રીતે રાત્રિ દરમિયાન બ્રશિંગ મશીનથી સફાઈ થતી હતી, જેના કારણે રસ્તા ચોખ્ખા રહેતા અને ટ્રાફિક નિયમનમાં પણ સરળતા રહેતી હતી. પરંતુ હાલમાં નગરપાલિકા દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપન માટે કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. ભૂતકાળમાં પાર્કિંગ માટે એકી-બેકી પદ્ધતિ અમલમાં મૂકવાની ખાતરી આપવામાં આવી હતી અને પટ્ટા મારીને પાર્કિંગ નક્કી કરવાની વાતો કરવામાં આવી હતી, પરંતુ વર્ષો વીતી જવા છતાં પરિણામ શૂન્ય છે.

વેપારીઓએ તો નગરપાલિકાને એવી પણ રજૂઆત કરી હતી કે જો પાર્કિંગ માટેના કલર-પટ્ટા કરવાના પૈસા પાલિકા પાસે ન હોય તો તેનો ખર્ચ પણ વેપારીઓ ભોગવવા તૈયાર છે, છતાં તંત્ર કે પાલિકા પ્રમુખ દ્વારા કોઈ હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો નથી વેપારીઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ડભોઇ શહેર સાથે આસપાસના ૫૦ થી ૬૦ જેટલા ગ્રામ્ય વિસ્તારોના લોકો ખરીદી અને ધંધા-રોજગાર અર્થે જોડાયેલા છે. ટ્રાફિકની વિકટ પરિસ્થિતિના કારણે બહારથી આવતા ગ્રાહકો બજારમાં પ્રવેશતા ડરી રહ્યા છે. દિવાળીના તહેવારને માત્ર થોડા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે વેપારીઓ આર્થિક સંકળામણ અને મંદીનો સામનો કરી રહ્યા છે. દિવાળી ટાણે પણ બજારોમાં ધંધા-રોજગાર પડી ભાંગ્યા હોવાથી વેપારીઓ ભારે ચિંતામાં મુકાયા છે તહેવારોની સિઝનમાં નગરપાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે ટ્રાફિક નિયમન માટે યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા કરે અને સફાઈ વ્યવસ્થા સુચારુ બનાવે તેવી વેપારી મહાજન દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
