ઘરેથી તૈયાર થતાં કેડિયા અને ચણિયા-ચોળીને સ્વદેશી મેળામાં મળી નવી ઓળખ

સ્વદેશી મેળો બન્યો ‘સખી સહેલી’ મંડળની બહેનો માટે રોજગારી અને વ્યવસાયની નવી તક
સરકાર દ્વારા સ્ટોલની ફાળવણીથી પરંપરાગત વસ્ત્રોના વ્યવસાયને પ્રોત્સાહન અને બહેનોને રોજગારીની તક
કેપિટલ મેસેજ
Capital message
27, October, 2026
સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તથા સ્થાનિક કારીગરો અને મહિલા મંડળોને બજાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી યોજાયેલા સ્વદેશી મેળામાં ‘સખી સહેલી’ મંડળની બહેનો દ્વારા ઘરે તૈયાર કરવામાં આવતા કેડિયા અને ચણિયા-ચોળીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. સરકારશ્રી દ્વારા મેળામાં સ્ટોલની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતાં મંડળની બહેનોને પોતાનાં ઉત્પાદનોને વધુ લોકો સુધી પહોંચાડવાની અને વ્યવસાયને નવી દિશા આપવાની તક મળી છે.
મંડળનાં સભ્ય આશા પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ‘સખી સહેલી’ મંડળની બહેનો ઘરે જ કેડિયા અને ચણિયા-ચોળી તૈયાર કરે છે. આ પ્રવૃત્તિના માધ્યમથી બહેનોને રોજગારી મળી રહે છે અને તેઓ આર્થિક સ્વાવલંબન તરફ આગળ વધી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્વદેશી મેળામાં સ્ટોલ મળવાથી ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ મેળો મંડળની બહેનોને પોતાનાં ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય તક પૂરી પાડે છે, જેના પરિણામે વ્યવસાયને વેગ મળવાની આશા છે.
સ્વદેશી મેળામાં સ્ટોલ ફાળવીને સ્થાનિક મહિલા મંડળને પ્રોત્સાહન આપવા બદલ આશા પ્રજાપતિએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આમ, સ્વદેશી મેળો ‘સખી સહેલી’ મંડળની બહેનો માટે પરંપરાગત વસ્ત્રોના વ્યવસાયને પ્રોત્સાહન આપવા, રોજગારીની તકો ઊભી કરવા અને મહિલા આર્થિક સશક્તિકરણની દિશામાં આગળ વધવા માટે ઉપયોગી માધ્યમ બની રહ્યો છે.
