માનવતાની મિસાલ: બીમાર GRD જવાનની મદદે રાધનપુર પોલીસ પરિવાર

બીમાર સાથી કર્મચારીના ઘરે પહોંચી કરિયાણાની કીટ અર્પણ કરી પોલીસ ટીમે સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
કેપિટલ મેસેજ
Capital message
રાધનપુર: ખાખી વર્ધી પાછળ રહેલી સંવેદનશીલતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ રાધનપુરમાં જોવા મળ્યું છે. રાધનપુરના નાનાપુરા વિસ્તારમાં રહેતા અને GRD જવાન તરીકે ફરજ બજાવતા વાલ્મીકિ અમરતભાઈ શીવાભાઈ છેલ્લા કેટલાક સમયથી શારીરિક તકલીફ અને અસ્વસ્થતામાંથી પસાર થઈ રહ્યા છે. આ અંગેની જાણ થતાં રાધનપુર પોલીસ સ્ટાફ અને TRB સ્ટાફ તેમના પરિવારની મદદે આવ્યા હતા.
રાધનપુર PI આર.બી. વાધીયા તથા PSI એચ.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાન જયદેવ ગઢવી, પોલીસ જવાન જીજ્ઞાબેન ચૌધરી, TRB જવાન ભુરાભાઈ મકવાણા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા બીમાર GRD જવાન વાલ્મીકિ અમરતભાઈના ઘરે રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ ટીમે તેમના પરિવારને કરિયાણાની કીટ અર્પણ કરી મુશ્કેલીના સમયમાં આર્થિક તેમજ સામાજિક સહયોગ પૂરો પાડ્યો હતો.
આ માનવતાવાદી કાર્યમાં TRB જવાન ભુરાભાઈ મકવાણાએ વિશેષ પહેલ કરી સરાહનીય યોગદાન આપ્યું હતું. પોતાના સાથી કર્મચારીના મુશ્કેલીના સમયમાં તેની અને તેના પરિવારની પડખે ઊભા રહી રાધનપુર પોલીસ પરિવારે સેવા અને સંવેદનશીલતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સાથી કર્મચારી પ્રત્યે માનવતાભર્યો અભિગમ દાખવી મદદરૂપ બનેલી રાધનપુર પોલીસ ટીમની કામગીરીને સ્થાનિક લોકો અને પત્રકાર આલમ દ્વારા પણ બિરદાવવામાં આવી રહી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ
