‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ પ્રદર્શનની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી

કેપિટલ મેસેજ
Capital message
અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના પં. દીનદયાળ ઑડિટોરિયમ ખાતે માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આયોજિત ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ વિષયક વિશેષ મલ્ટિમીડિયા પ્રદર્શનની મુલાકાત લીધી હતી.
આ પ્રદર્શનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગુજરાતથી શરૂ થયેલી 25 વર્ષની જનસેવા, નેતૃત્વ અને વિકાસયાત્રાને વિવિધ પેનલ, પોસ્ટર્સ તેમજ દૃશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિઓના માધ્યમથી રજૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ પ્રદર્શનના વિવિધ વિભાગોની મુલાકાત લઈ વિકાસયાત્રાની ઝાંખી નિહાળી હતી.

પ્રદર્શનમાં ગુજરાતના કૃષિ અને પશુપાલન, શિક્ષણ, ઉદ્યોગ, બંદરો, ઊર્જા, જળશક્તિ, મહિલા સશક્તીકરણ તથા સામાજિક વિકાસ સહિતના વિવિધ ક્ષેત્રોમાં થયેલા વિકાસકાર્યો અને સિદ્ધિઓને પણ વિશેષ રીતે દર્શાવવામાં આવ્યા છે. વિવિધ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા ગુજરાતના વિકાસથી દેશના વિકાસ તરફની યાત્રાને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવી છે.
નાગરિકોને ગુજરાતના વિકાસની ગાથા અને વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિથી માહિતગાર કરવાના હેતુથી આયોજિત આ પ્રદર્શન 5 ઑક્ટોબર સુધી સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. નાગરિકો આ પ્રદર્શનની મુલાકાત લઈ ગુજરાતની વિકાસયાત્રાની વિવિધ ઝલક નિહાળી શકશે.
