રાજ્યમાં ભારે વરસાદની આગાહી:તંત્ર હાઈ એલર્ટ

કેપિટલ મેસેજ
Capital message
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે સરકાર દ્વારા સંભવિત પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરવા તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ડભોઈ શહેર અને તાલુકામાં પણ તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ કામગીરીના સંકલન માટે ડભોઈના પૂર્વ નાયબ કલેક્ટર હિમાંશુ પરીખની નોડલ અધિકારી તરીકે નિમણૂક.ડભોઇ માં પુરની પરિસ્થિતિ ને ડામવા તમામ તૈયારીઓ નું નિરીક્ષણ પણ કર્યું.

ભારે વરસાદને કારણે નગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તો અસરગ્રસ્ત નાગરિકોના સ્થળાંતર માટે અગાઉથી જ 9 આશ્રયસ્થાનો કાર્યરત રાખવામાં આવ્યા છે, જ્યારે જરૂરિયાત ઊભી થાય તો વધુ ત્રણ આશ્રયસ્થાનો પણ તાત્કાલિક શરૂ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. રાણા સમાજ વાડી, દરજી સમાજ વાડી, સત્તારગામ સમાજ વાડી સહિત વિવિધ સમાજોની વાડીઓને આશ્રયસ્થાન તરીકે તૈયાર કરવામાં આવી છે. પૂરની સંભાવનાને ધ્યાનમાં રાખી નોડલ અધિકારી હિમાંશુ પરીખે, પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર, નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવી સાથે તમામ આશ્રયસ્થાનોની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓ, સ્થળાંતરની વ્યવસ્થા અને જરૂરી તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત અધિકારીઓએ વઢવાણા તળાવ વેટલેન્ડ ની પણ મુલાકાત લઈ પાણીની સપાટી, જળસંગ્રહની સ્થિતિ અને ભારે વરસાદની સ્થિતિમાં ઊભી થઈ શકે તેવી પરિસ્થિતિ અંગે સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. ડભોઈ નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા તમામ સંબંધિત વિભાગોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી થઈ શકે તે માટે બચાવ અને રાહત કામગીરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
