પાટણ જિલ્લા પોલીસની જનઅપીલ: વરસાદી મોસમમાં સાવચેતી રાખી સુરક્ષિત રહો
કેપિટલ મેસેજ
Capital message
પાટણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા પોલીસે નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે. વરસાદી પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત રહે તે માટે પોલીસ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે વરસાદ દરમિયાન બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવું તેમજ સલામત સ્થળે રહેવું જોઈએ.
પોલીસે લોકોને નાળા, તળાવ, ડેમ, નદી અને અન્ય પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા જણાવ્યું છે. પાણી ભરાયેલા રસ્તાઓ પર વાહન ચલાવતાં પહેલાં પાણીની ઊંડાઈની ખાતરી કરવી અને જોખમ જણાય તો રસ્તો પાર ન કરવો. વીજળી પડતી હોય ત્યારે ખુલ્લા સ્થળે ઉભા ન રહેવાની અને વીજ ઉપકરણો થી સાવચેતી રાખવાની પણ અપીલ કરવામાં આવી છે.
મોબાઇલ ફોન સંપૂર્ણ ચાર્જ રાખવા, ઇમરજન્સી સંપર્ક નંબરો સેવ રાખવા તેમજ ઘરમાં પ્રાથમિક સારવાર (ફર્સ્ટ એઇડ) કિટ અને જરૂરી દવાઓ તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. વૃદ્ધો, બાળકો અને જરૂરિયાતમંદ લોકોની વિશેષ કાળજી રાખવા તેમજ અફવાઓથી દૂર રહી માત્ર સરકારી અને પોલીસ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.
કોઈપણ પ્રકારની ઇમરજન્સી સર્જાય તો તરત જ 112 પોલીસ હેલ્પલાઇન પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત સાયબર ગુનાની ફરિયાદ માટે 1930 સાયબર હેલ્પલાઇનનો ઉપયોગ કરવા જણાવાયું છે. પાટણ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક નંબર 02766-230502 પણ 24×7 સેવા માટે ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે.
પાટણ જિલ્લા પોલીસે નાગરિકોને વરસાદી પરિસ્થિતિ દરમિયાન શાંતિ જાળવી, સાવચેતી રાખી અને સુરક્ષિત રહી તંત્રને સહકાર આપવા અપીલ કરી છે.
