પાટણમાં વૃદ્ધની ₹1.40 લાખ ભરેલી બેગ ગુમ, ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ના CCTVથી ગણતરીના કલાકોમાં મળી પરત

નેત્રમ કમાન્ડ સેન્ટર અને એલસીબીની ઝડપી કામગીરી: ગંજ બજારથી હારીજ સુધી ટ્રેસ થઈ રોકડ ભરેલી થેલી…
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા ફરી એકવાર સાબિત થઈ છે. માંડોત્રી ગામના રહેવાસી પટેલ છગનભાઈ ખોડીદાસની ₹1.40 લાખ રોકડ ભરેલી બેગ રસ્તામાં પડી જતા ખળભળાટ મચ્યો હતો, પરંતુ ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ અંતર્ગત લગાવવામાં આવેલા CCTV કેમેરાની મદદથી નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની ટીમે ગણતરીના કલાકોમાં બેગ શોધી કાઢી અને સુરક્ષિત રીતે અરજદારને પરત કરી હતી.
માહિતી મુજબ, 26 ફેબ્રુઆરી, 2026ના રોજ બપોરે લગભગ અઢી વાગ્યે છગનભાઈ પોતાના પુત્ર સાથે મોટરસાયકલ પર પાટણ ગંજ બજારમાં આવેલી મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી ₹1,40,000 ઉપાડી નીકળ્યા હતા. લીલીવાડી ચાર રસ્તા પાસેથી પસાર થતા સમયે તેમના હાથમાં રહેલી રોકડ ભરેલી કાપડની થેલી અજાણતાં રસ્તામાં પડી ગઈ હતી. થોડા સમય બાદ રકમ ગુમ થયાની જાણ થતાં તેઓ ચિંતિત બન્યા અને તાત્કાલિક નેત્રમ ટીમનો સંપર્ક કર્યો હતો.
નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની ટીમે ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજની તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ફૂટેજમાં એક અજાણ્યો વ્યક્તિ રસ્તા પર પડેલી થેલી ઉઠાવી પોતાની બેગમાં મૂકી ઇકો ગાડીમાં હારીજ તરફ જતો જોવા મળ્યો હતો. આ મહત્વપૂર્ણ ક્લૂના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
એલસીબી પીઆઈ આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે સંદિગ્ધ વાહન અને વ્યક્તિની ઓળખ માટે ઝડપી તપાસ હાથ ધરી હતી. સતત મોનિટરિંગ અને ટેક્નિકલ વિશ્લેષણના આધારે પોલીસ ટૂંક સમયમાં જ રોકડ ભરેલી બેગ સુધી પહોંચી શકી હતી. આખી રકમ યથાવત હાલતમાં મળી આવતા અરજદાર અને તેમના પરિવારજનોમાં રાહતનો માહોલ છવાઈ ગયો હતો.
ખોવાયેલી મોટી રકમ સુરક્ષિત રીતે પરત મળતા અરજદારે પાટણ પોલીસ અને નેત્રમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કામગીરીમાં એલસીબી પીઆઈ આર.જી. ઉનાગર, રાધનપુર પીઆઈ આર.કે. પટેલ, નેત્રમ ઇન્ચાર્જ પીએસઆઈ એચ.એસ. પટેલ અને જે.એલ. રાજપુત સહિત રવિ ગંગારામભાઈ, મહેશકુમાર ભુદરભાઈ, હેતલબેન રામાભાઈ અને મુસ્તાકભાઈ રસુલભાઈ સહિતના પોલીસ કર્મચારીઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
આ ઘટનાએ પાટણ શહેરમાં લાગુ કરાયેલા ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ અને નેત્રમ કમાન્ડ સેન્ટરની અસરકારકતા ફરી એકવાર સાબિત કરી છે, જેના કારણે નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
