લાંબા વિરામ બાદ મેઘમહેરથી પાટણ પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર

સમી- રાધનપુર પંથકમાં જામ્યો વરસાદી માહોલ – ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતા સૂકાતા પાકને વરસાદથી મળ્યું નવું જીવન
કેપિટલ મેસેજ
Capital message
પાટણ : પાટણ શહેર સહિત સમી અને રાધનપુર તાલુકા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ રવિવારે બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. દિવસભરના અસહ્ય ઉકળાટ અને બફારા બાદ પાટણ શહેર, સમી તાલુકાના બાસ્પા, દાઉદપુર સહિતના વિસ્તારો તેમજ રાધનપુર શહેર અને કલ્યાણપુરા, દેવપુરા, સાતુંન સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ગરમીથી પરેશાન લોકોને પણ રાહત મળી હતી.
લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. અગાઉ થયેલા વરસાદના આધારે મોટાભાગના ખેડૂતોએ વાવણી પૂર્ણ કરી દીધી હતી. ખેડૂતો દ્વારા બીટી કપાસ, રજકો, બાજરી, મગ, અડદ, જુવાર તેમજ વિવિધ પ્રકારના ઘાસચારા સહિતના ચોમાસું પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે વાવણી બાદ વરસાદે લાંબો વિરામ લેતાં પાકને પૂરતું પાણી ન મળતા અનેક વિસ્તારોમાં પાક સુકાવાની ચિંતા ખેડૂતોમાં જોવા મળી રહી હતી.

આ દરમિયાન રવિવારે બપોરે અચાનક વરસાદ પડતાં સમી અને રાધનપુર તાલુકાના ખેતરોમાં સૂકાતા પાકને રાહત મળી છે. વરસાદના કારણે જમીનમાં ભેજ વધતાં વાવેલા પાકને નવું જીવન મળવાની આશા ખેડૂતોમાં જાગી છે. લાંબા વિરામ બાદ થયેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી અને ચોમાસું પાકને ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પાટણ શહેર સહિત સમી અને રાધનપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલથી ખેડૂતોમાં ફરી આશાનો સંચાર થયો છે. જોકે આગામી દિવસોમાં પણ પૂરતો વરસાદ થાય તો ચોમાસું પાકને વધુ ફાયદો થઈ શકે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ
