પાટણમાં ફૂડ ફોર્ટિફિકેશન અવેરનેસ વર્કશોપ યોજાયો: ફોર્ટિફાઇડ ચોખા અને ડબલ ફોર્ટિફાઇડ મીઠાના ઉપયોગ માટે સજાગતા અભિયાન

કુપોષણ અને એનિમિયા નિવારણ માટે જિલ્લા સ્તરે જાગૃતિ વર્કશોપ
સાંતલપુર જેવા એસ્પિરેશનલ તાલુકામાં કુપોષણ ઘટાડવા સંકલિત પ્રયાસોને વેગ આપશું : જિલ્લા પુરવઠા અધિકારી હેમાંગીની ગુર્જર
પીએમ પોષણ યોજના અન્વયે ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગર તથા જિલ્લા પુરવઠા વિભાગ, પાટણના સંયુક્ત ઉપક્રમે “ફૂડ ફોર્ટિફિકેશન અવેરનેસ પ્રોગ્રામ” અંતર્ગત અધિકારીઓ અને કર્મચારીઓ માટે આજરોજ ગ્રાન્ડ પિયાનો હોટેલ, પાટણ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પુરવઠા અધિકારી હેમાંગીની ગુર્જરે જણાવ્યું કે પાટણ ખાતે ન્યુટ્રિશનલ ઇન્ટરનેશનલ એનજીઓના સહયોગથી શિક્ષણ વિભાગ, આઈસીડીએસ અને પીએમ પોષણ વિભાગ સાથે સંકલનમાં ફોર્ટિફિકેશન અવેરનેસ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો. વિવિધ વિભાગોના કર્મચારીઓને માસ્ટર ટ્રેનર તરીકે તૈયાર કરવાની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું છે.
એસ્પિરેશનલ તાલુકા સાંતલપુરમાં કુપોષણનું પ્રમાણ વધુ હોવાને કારણે ત્યાં ખાસ ફોકસ કરવામાં આવી રહ્યુ છે. ફોર્ટિફાઈડ ચોખા અને ડબલ ફોર્ટિફાઈડ મીઠાનો વ્યાપક ઉપયોગ વધે તે માટે સંકલિત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગામી સમયમાં તમામ સંકલન અધિકારીઓ સાથે મળીને કુપોષણમુક્ત તાલુકો અને જિલ્લો બનાવવાના અમારા પ્રયાસો યથાવત્ રહેશે.

વર્કશોપ દરમ્યાન સ્ટેટ ફોર્ટિફિકેશન કન્સલ્ટન્ટ જગદીશ સાઠે દ્વારા ડબલ ફોર્ટિફાઇડ મીઠું અને ફોર્ટિફાઇડ ચોખાના ઉપયોગનું મહત્વ, એનિમિયા નાબૂદી માટેના પ્રયાસો, કુપોષણ નિવારણ અને સમતોલ આહાર અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમણે દૈનિક જીવનમાં ફોર્ટિફાઇડ આહારનો વ્યાપક સ્વીકાર થાય તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા કુપોષણ અને એનિમિયા નિવારણ માટે આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ તેમજ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળના કાર્ડધારકોને ફોર્ટિફાઇડ ચોખા અને ડબલ ફોર્ટિફાઇડ મીઠું પૂરૂં પાડવામાં આવે છે. આ કાર્યક્રમના હેતુરૂપે સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ માં ફૂડ ફોર્ટિફિકેશન અંગે જાગૃતિ વધારવા તેમજ અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવા વર્કશોપ યોજાયો હતો.આ પ્રકારના પ્રયાસોથી કુપોષણ અને એનિમિયા સામેની લડતમાં વધુ સશક્ત પરિણામ પ્રાપ્ત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાંતિલાલ પરમાર પ્રોજેકટ મેનેજર, વિપુલભાઈ ઠાકર રિયોજનલ કો ઓર્ડીનેટર,ફૂડ ફોર્ટિફિકેશન, ન્યુટ્રિશન ઇન્ટરનેશલ, ગાંધીનગર, આરોગ્ય વિભાગ, આઇ.સી.ડી.એસ., પી.એમ. પોષણ યોજના, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ સ્વસહાય જૂથોના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.
