શેઠ એમ.એન.હાઇસ્કૂલ, પાટણની વિદ્યાર્થીની પ્રજાપતિ મુસ્કાન AITA ઓલ ઇન્ડિયા લોન ટેનિસ ટુર્નામેન્ટમાં સિંગલ્સ અને ડબલ્સ એમ બંનેમાં નેશનલ ચેમ્પિયન
પ્રજાપતિ મુસ્કાન દ્વારા શેઠ એમ. એન. હાઇસ્કુલનું નામ રાષ્ટ્રીય ફલક પર ગૌરવભેર ઉજાગર
લોન ટેનિસની ઓલ ઇન્ડિયા AITA ચેમ્પિયન્સ ટુર્નામેન્ટ અજમેર ખાતે યોજાઈ
અભ્યાસની સાથે રમતગમતમાં પણ અગ્રેસર રહી પ્રજાપતિ મુસ્કાન સમગ્ર વિદ્યાર્થી આલમ માટે પ્રેરણાસ્ત્રોત બની
તારીખ 26 થી 29 ઓક્ટોબર દરમિયાન અજમેર ખાતે ઓલ ઇન્ડિયા લોન ટેનિસ ચેમ્પિયન સીરીઝ ટુર્નામેન્ટ યોજાઈ ગઈ.
કેપિટલ મેસેજ
Capital message
31, October, 2026
ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત પાટણની પ્રતિષ્ઠિત સંસ્થા શેઠ એમ. એન. હાઇસ્કૂલ, પાટણની પ્રતિભાશાળી વિદ્યાર્થીની પ્રજાપતિ મુસ્કાન વિપુલભાઈએ તાજેતરમાં All India Tennis Association (AITA) દ્વારા અજમેર ખાતે આયોજિત ચેમ્પિયન્સ સિરીઝ ટુર્નામેન્ટમાં લોન ટેનિસ રમતમાં શાનદાર રમતનું પ્રદર્શન કરી સિંગલ્સ અને ડબલ્સ એમ બંનેમાં નેશનલ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. જેમાં તેના કોચ સંતોષભાઈ જાદવ (ગુરુજી) નું ઉત્તમ માર્ગદર્શન પ્રાપ્ત થયેલું હતું.
આ ટુર્નામેન્ટ રાષ્ટ્રીય કક્ષાની પ્રતિષ્ઠિત સ્પર્ધા માનવામાં આવે છે, જેમાં દેશભરના પ્રતિભાશાળી ખેલાડીઓ ભાગ લે છે. મુસ્કાનની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સમગ્ર શાળા અને પાટણ જિલ્લો તથા સમગ્ર ઉત્તર ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની છે.
પ્રજાપતિ મુસ્કાન માત્ર રમતગમતમાં જ નહીં, પરંતુ અભ્યાસમાં પણ હોશિયાર વિદ્યાર્થીની છે. તેણીએ રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ અનેક વખત લોન ટેનિસ સ્પર્ધાઓમાં ભાગ લઇ ચેમ્પિયનશિપ હાંસલ કરી છે.
અભ્યાસ અને રમત બંને ક્ષેત્રમાં સંતુલન જાળવીને સતત પ્રગતિ કરવી એ આજના યુવાનો માટે પ્રેરણાદાયી ઉદાહરણ છે. મુસ્કાનનું વ્યક્તિત્વ એ સાબિત કરે છે કે યોગ્ય માર્ગદર્શન, સંકલ્પશક્તિ અને મહેનત હોય તો કોઈપણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે.
શાળાના પ્રિન્સિપાલ ડૉ. ધનરાજભાઈ ઠક્કર સાથેની વાતચીત દરમિયાન મુસ્કાને જણાવ્યું હતું કે, તે લોન ટેનિસની દરરોજ ૭ થી ૮ કલાક નિયમિત અને કઠોર પ્રેક્ટિસ કરે છે. તેણીનું લક્ષ્ય ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે અને તે માટે તે સંપૂર્ણ સમર્પણ સાથે પ્રયત્નશીલ છે.
ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડૉ. જે. કે. પટેલ , મંત્રી શ્રી મનસુખભાઈ પટેલ તથા તમામ હોદ્દેદારો, શાળાના પ્રિન્સિપાલ ડૉ. ધનરાજભાઈ ઠક્કર તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા પ્રજાપતિ મુસ્કાનને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
શાળાના પ્રિન્સિપાલ ડૉ. ધનરાજભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, “મુસ્કાન જેવી પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓ શાળાનું સાચું ગૌરવ છે. આવી સિદ્ધિઓ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બને છે અને શાળા સંસ્કાર, શિસ્ત તથા પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે તેનો જીવંત પુરાવો છે.”
AITA જેવી પ્રતિષ્ઠિત સંસ્થાની ટુર્નામેન્ટમાં રનરઅપ બનવું એ ભવિષ્યમાં નેશનલ તેમજ ઇન્ટરનેશનલ સ્તરે સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે મજબૂત પાયાની રચના સમાન છે.
પ્રજાપતિ મુસ્કાનની આ સિદ્ધિ માત્ર એક રમતગમતની જીત નથી, પરંતુ સમાજ માટે સશક્ત સંદેશ છે કે, દીકરીઓને યોગ્ય તક અને પ્રોત્સાહન મળે તો તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર ભારતનું ગૌરવ વધારી શકે છે.
શેઠ એમ. એન. હાઇસ્કૂલ, પાટણની વિદ્યાર્થીની પ્રજાપતિ મુસ્કાનની આ ગૌરવસભર સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા તેના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવે છે.
Congratultuon, મુસ્કાન.
તારીખ 26 થી 29 દરમિયાન અજમેર ખાતે યોજાયેલ U -18 AITA ચેમ્પિયન સિરીઝ માં ચેમ્પિયન થવા બદલ.
