પોલીસ સ્મૃતિ દિવસ: દેશની સુરક્ષા માટે શહીદ થયેલા પોલીસ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ

જનસુરક્ષા, કાયદો-વ્યવસ્થાની જાળવણી અને આપત્તિના સમયે નાગરિકોની સેવા માટે પોલીસ દળની કર્તવ્યનિષ્ઠા બિરદાવાઈ
કેપિટલ મેસેજ
Capital message
જનસુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જાળવણીથી લઈને કુદરતી આપત્તિઓના સમયે નાગરિકોને મદદ પહોંચાડવા સુધી ગુજરાત પોલીસ દળના જવાનો હંમેશાં પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠા, સાહસ અને સમર્પણ સાથે કાર્યરત રહ્યા છે. પોલીસ કર્મીઓની આ કર્તવ્યનિષ્ઠા અને સેવાભાવનાને કારણે ગુજરાતમાં શાંતિ, સલામતી અને સુરક્ષાની ભાવનાને મજબૂતી મળી છે.
દર વર્ષે ૨૧ ઑક્ટોબરના રોજ ‘પોલીસ સ્મૃતિ દિવસ’ મનાવવામાં આવે છે. આ દિવસ દેશની સુરક્ષા અને નાગરિકોની રક્ષા માટે પોતાની ફરજ નિભાવતાં સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદ પોલીસ જવાનોના શૌર્ય, સાહસ અને સમર્પણને યાદ કરવાનો અવસર છે. ફરજ દરમિયાન પોતાના જીવનની પરવા કર્યા વિના દેશ અને સમાજની સુરક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનાર પોલીસ જવાનોનું બલિદાન સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે.
પોલીસ દળ માત્ર ગુનાઓ પર નિયંત્રણ રાખવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા પૂરતું સીમિત નથી, પરંતુ અકસ્માતો, પૂર, વાવાઝોડાં સહિતની કુદરતી આપત્તિઓ અને કટોકટીની પરિસ્થિતિઓમાં પણ નાગરિકોની પડખે ઊભું રહે છે. મુશ્કેલ સંજોગોમાં પોતાની સુરક્ષાની ચિંતા કર્યા વિના લોકોના જીવ બચાવવા અને તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે પોલીસ જવાનો સતત પ્રયત્નશીલ રહે છે.
પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે દેશની સુરક્ષા માટે શહીદ થયેલા તમામ પોલીસ કર્મીઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ અને તેમના અદમ્ય સાહસ, દેશપ્રેમ તથા કર્તવ્યનિષ્ઠાને કોટિ કોટિ વંદન કરીએ. શહીદોના બલિદાનને યાદ રાખીને સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત સમાજના નિર્માણમાં સહભાગી બનવાનો સંકલ્પ કરીએ.
શહીદ પોલીસ જવાનોનું બલિદાન અમર છે, તેમનું શૌર્ય દેશની પ્રેરણા છે.
રિપોર્ટ: રાજેશ જાદવ, પાટણ
