પાટણમાં ૮ ઓક્ટોબરે રોજગાર ભરતી મેળો યોજાશે
૨૦થી વધુ ખાનગી કંપનીઓ દ્વારા સ્થળ પર પ્રાથમિક પસંદગી કરાશે
કેપિટલ મેસેજ
Capital message
પાટણ જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ દ્વારા તા.૦૮/૧૦/૨૦૨૬, ગુરુવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે એચ.એન.જી.યુ., પાટણના કન્વેન્શન હોલ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં પાટણ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓના ખાનગી ક્ષેત્રના ૨૦થી વધુ નોકરીદાતાઓ ઉપસ્થિત રહી વિવિધ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની સ્થળ પર પ્રાથમિક પસંદગી કરશે. એકાઉન્ટન્ટ, બેન્ક ઓફિસર, ડેવલપમેન્ટ મેનેજર, ઇન્સ્યોરન્સ એડવાઈઝર, બિલ રિસેપ્શન, ટ્રેઈની, સુપરવાઈઝર, ઓપરેટર, મશીન ઓપરેટર, કોમ્પ્યુટર ઓપરેટર, સિવણ, હેલ્પર, સેલ્સમેન, જુનિયર સેલ્સ એક્ઝિક્યુટિવ, ટેલીકોલર અને કાઉન્સેલર સહિતની વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
ભરતી મેળામાં ધોરણ-૧૦ પાસ, ધોરણ-૧૨ પાસ, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ તથા અન્ય લાયકાત ધરાવતા ૧૮ થી ૪૦ વર્ષની વયના રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉમેદવારોએ પોતાના સ્વખર્ચે ઇન્ટરવ્યુ માટે ઉપસ્થિત રહી બાયોડેટાની ૫ નકલો સાથે લાવવાની રહેશે.
રોજગાર અધિકારી, પાટણની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, રોજગાર કચેરીમાં અગાઉથી નામ નોંધણી કરાવેલ ન હોય તેવા લાયકાત ધરાવતા ઉમેદવારો પણ આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે. ઉમેદવારો વધુ માહિતી તથા નોંધણી માટે www.anubandham.gujarat.gov.in વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.
