ડભોઇ તાલુકાના કનાયડા ગામડી ગામે સીમમાં ખેતમજૂર પર દીપડાનો ખૂંખાર હુમલો: ગંભીર ઇજાગ્રસ્ત આધેડ સારવાર હેઠળ, વન વિભાગની ઘોર બેદરકારી સામે ગ્રામજનોમાં પ્રચંડ રોષ

કેપિટલ મેસેજ
Capital message
ડભોઇ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વન્યજીવોના આતંકનો સિલસિલો યથાવત્ રહ્યો છે. તાલુકાના કનાયડા ગામડી ગામે વહેલી સવારે ખેતમજૂરી અર્થે નીકળેલા એક ખેતમજૂર પર અચાનક દીપડાએ હુમલો કરી દેતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ હિંસક હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા આધેડને તાત્કાલિક ડભોઇની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેઓની સઘન સારવાર ચાલી રહી છે.
વહેલી સવારે સીમમાં જતી વેળાએ દીપડો ત્રાટક્યો પ્રાપ્ત વિગતો અનુસાર, કનાયડા ગામડી ગામે રહેતા પ્રહલાદભાઈ હરિભાઈ વસાવા (ઉંમર વર્ષ 55) ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ વહેલી સવારે આશરે પાંચથી સાડા પાંચ વાગ્યાના સુમારે પોતાના રોજિંદા કામ અર્થે સીમ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન અંધારાનો લાભ લઈને સીમ વિસ્તારની ઝાડીઓમાં છુપાઈને બેઠેલા દીપડાએ તેમના પર ઓચિંતો જીવલેણ હુમલો કરી દીધો હતો. દીપડાના નહોર અને દાંત વાગવાથી પ્રહલાદભાઈ લોહીલુહાણ થઈ ગયા હતા. તેમણે જીવ બચાવવા બૂમાબૂમ કરતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા, જેથી દીપડો સીમ તરફ નાસી છૂટ્યો હતો.

ઇજાગ્રસ્ત આધેડ ડભોઇ સરકારીહોસ્પિટલમાં સારવાર હેઠળ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પ્રહલાદભાઈ વસાવાને તાબડતોબ ડભોઇ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતાં ફરજ પરના તબીબો દ્વારા તેમની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી છે અને હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે વન વિભાગની નિષ્ક્રિયતા સામે લોકરોષ ચરમસીમાએ આ બનાવને પગલે કનાયડા ગામડી સહિત આસપાસના ગ્રામજનોમાં વન વિભાગ પ્રત્યે ભારે નારાજગી અને ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે ડભોઇનું વન વિભાગ તદ્દન નિષ્ક્રિય સાબિત થયું છે અને અધિકારીઓ એસી કેબિનમાંથી બહાર નીકળીને ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ ચકાસવાની તસ્દી લેતા નથી અગાઉ પણ ડભોઇના રેલવે યાર્ડ નજીક દીપડો દેખાયો હોવાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, છતાં તંત્ર ઘોર નિંદ્રામાં રહ્યું હતું વન વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ પણ પ્રકારનું સર્વેક્ષણ, પેટ્રોલિંગ કે સતર્કતાના પગલાં લેવામાં આવ્યા નહોતા, જેના કારણે આજે આ ખેતમજૂર પર હુમલો થવાની દુર્ઘટના ઘટી છે ગ્રામજનોની ઉગ્ર માંગ છે કે કોઈ નિર્દોષ નાગરિક પોતાનો જીવ ગુમાવે તે પહેલાં વન વિભાગ તાત્કાલિક ઊંઘમાંથી જાગે. કનાયડા ગામડી અને આસપાસના અંતરિયાળ સીમ વિસ્તારોમાં તાકીદે પાંજરા મૂકી, આ હિંસક દીપડાને વહેલી તકે પાંજરે પૂરીને ગ્રામજનોને ભયમુક્ત કરવામાં આવે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
