સાંતલપુરના સિધાડા ગામ પાસે LCBની નાકાબંધીમાં દારૂ ભરેલી સ્વિફ્ટ કાર મૂકી ચાલક ફરાર

પાટણ LCBની કાર્યવાહી : ભારતીય બનાવટના વિદેશી દારૂની 864 બોટલ અને સ્વિફ્ટ કાર સહિત ₹6.02 લાખનો મુદ્દામાલ કબજે
કેપિટલ મેસેજ
Capital message
પાટણ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે સાંતલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. સિધાડા ગામ નજીક કરવામાં આવેલી નાકાબંધી દરમિયાન દારૂ ભરેલી સ્વિફ્ટ ડીઝાયર કાર મળી આવી હતી. જોકે, પોલીસની રેઇડ દરમિયાન કારનો ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, બનાસકાંઠા રેન્જના I/C પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી ની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત પાટણ LCBના I/C પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ સાંતલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગમાં હતો.
દરમિયાન પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે સિધાડા ગામ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ સમયે સફેદ રંગની સ્વિફ્ટ ડીઝાયર કાર નંબર GJ-01-KA-3648 શંકાસ્પદ રીતે મળી આવી હતી. પોલીસની કાર્યવાહી દરમિયાન કારનો ચાલક ગાડી મૂકીને નાસી ગયો હતો. પોલીસે કારની તપાસ કરતાં તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 864 બોટલ, જેની કિંમત ₹3,02,016 હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે દારૂના જથ્થા ઉપરાંત સ્વિફ્ટ ડીઝાયર કાર, કિંમત ₹3,00,000, પણ કબજે કરી હતી. આમ, સમગ્ર કાર્યવાહીમાં દારૂની બોટલો અને વાહન સહિત કુલ ₹6,02,016નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ મામલે સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરાવી આગળની તપાસ સાંતલપુર પોલીસને સોંપવામાં આવી છે. પોલીસ દ્વારા ફરાર કારચાલકની ઓળખ અને તેની ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
પકડવાના બાકી આરોપી:
સ્વિફ્ટ ડીઝાયર કાર નંબર GJ-01-KA-3648નો ચાલક.
કબજે કરાયેલ મુદ્દામાલ:
ભારતીય બનાવટનો વિદેશી દારૂ : 864 બોટલ — ₹3,02,016
સ્વિફ્ટ ડીઝાયર કાર : 1 — ₹3,00,000
કુલ મુદ્દામાલ : ₹6,02,016
કાર્યવાહીમાં જોડાયેલા અધિકારી-કર્મચારીઓ: જે.જી. સોલંકી, I/C પોલીસ ઇન્સ્પેક્ટર, LCB પાટણ, એસ.બી. સોલંકી, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પી.વી. ચૌધરી, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર,અ.હેડ.કો. કુલદીપકુમાર લક્ષ્મીદાસ,અ.હેડ.કો. લખનકુમાર અમૃતભાઈ,અ.હેડ.કો. હસમુખસિંહ અમરાભાઈ,અ.હેડ.કો. સતિષકુમાર અમથાભાઈ.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
