પાટણ તાલુકાની ત્રણ આંગણવાડીના બાંધકામ માટે વર્ક ઓર્ડર અપાયો.
કેપિટલ મેસેજ
Capital message
પાટણ, પાટણ તાલુકાના બાલીસણા-૧૯૬, માનપુર-૧૨૦ અને ખાનપુર કોડી-૧૯૬ ખાતે છેલ્લા ત્રણ વર્ષથી આંગણવાડી મકાનનું બાંધકામ ન થવાના પ્રશ્ન અંગે પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન નરેશભાઈ પરમાર દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
નરેશભાઈ પરમારની રજૂઆતના અનુસંધાને આ ત્રણેય આંગણવાડી મકાનના બાંધકામ માટે પરંપરાગત પદ્ધતિથી મંજૂરી આપવામાં આવી છે. તેમજ તા. 17/08/2026ના રોજ વર્ક ઓર્ડર પણ આપવામાં આવેલ છે.
આ અંગે કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), પાટણ દ્વારા બાંધકામ સંબંધિત કાર્યવાહી હાલ પ્રગતિમાં હોવાનું જણાવાયું છે. આ બાબતે પ્રોગ્રામ ઓફિસરશ્રી, ICDS, જિલ્લા પંચાયત પાટણ દ્વારા પણ સત્તાવાર જાણ કરવામાં આવી છે.
લાંબા સમયથી પડતર રહેલા આ પ્રશ્નના નિરાકરણ તરફ કાર્યવાહી શરૂ થતાં સ્થાનિક ગ્રામજનો અને વાલીઓમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.
નરેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, બાળકોને યોગ્ય અને સુવિધાસભર આંગણવાડી મકાન મળી રહે તે માટે કરવામાં આવેલી રજૂઆતને પગલે કાર્યવાહી શરૂ થઈ છે, જે આનંદની બાબત છે. સરકારના સંબંધિત વિભાગો દ્વારા બાકી રહેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી અપેક્ષા છે.
