સમી વિસ્તારમાં દેશી બનાવટની બંદુક સાથે એક શખ્સ ઝડપાયો

પાટણ SOGની કાર્યવાહી, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો-ખેતરમાં ચરના પૂળા નીચે છુપાવી રાખેલી બંદુક કબ્જે
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લા વિશેષ કામગીરી જૂથ (એસ.ઓ.જી.) દ્વારા સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળેલી બાતમીના આધારે દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર પાટણ એસ.ઓ.જી.ની ટીમ સમી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે વિશ્વસનીય બાતમી પ્રાપ્ત થઈ હતી કે મોજે જુની કુંવરથી રાફ જતા માર્ગ પર આવેલા ચાવડા કલ્પેશભાઇ ભગાભાઇના બોર નજીક ખેતરમાં ચારના પૂળા નીચે દેશી બનાવટની બંદુક છુપાવી રાખવામાં આવી છે. બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ખેતરમાં ચરના પૂળા નીચે દેશી હાથ બનાવટની બંદુક મળી આવી હતી. સ્થળ પર હાજર શખ્સ પાસેથી બંદુક કબ્જે કરી તેને અટકાયત કરવામાં આવી હતી. ઝડપી પાડાયેલ આરોપીની ઓળખ રાયસંગભાઇ લખુભાઇ ઠાકોર, રહે. રાફુ, તા. સમી, જી. પાટણ તરીકે થઈ છે.
પોલીસ દ્વારા દેશી બનાવટની બંદુક નંગ-૧ (અંદાજિત કિંમત રૂ. ૨૫૦૦/-) મુદ્દામાલ તરીકે કબ્જે કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ સમી પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ કલમ 25(1-બી) તેમજ જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આગળની કાનૂની કાર્યવાહી માટે આરોપી અને મુદ્દામાલ સમી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસ દ્વારા બંદુક ક્યાંથી મેળવી અને તેનો ઉપયોગ કયા હેતુસર થવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
