ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સમર્પણ આર્ટસ અને કોમર્સ કોલેજ દ્વારા મુનશીના પાત્રોને શબ્દદેહે પ્રગટ કર્યા

કેપિટલ મેસેજ, ન્યુઝ
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સમર્પણ આર્ટસ અને કોમર્સ કોલેજ ગુજરાતી વિભાગના સંયુક્ત તત્વધાનમાં વિશ્વ માતૃભાષા દિવસના પૂર્વ દિને સમર્પણ એજ્યુકેશન એન્ડ રિસર્ચ કેમ્પસ ખાતે વાચિકમનું આયોજન થયું. ગુજરાતી સાહિત્યના સિદ્ધહસ્ત ગદ્યકાર અને ગુજરાતની અસ્મિતા શબ્દના જનક શ્રી કનૈયાલાલ મુનશીની બે પ્રશિષ્ટ નવલકથાઓ ગુજરાતનો નાથ અને જય સોમનાથના ગદ્યાંશોનું વાચિકમ ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી મહેન્દ્રસિંહજી વાઘેલાના અધ્યક્ષ સ્થાને સિદ્ધહસ્ત નાટ્યકર્મી ડૉ. હરીશ વ્યાસ, ડૉ. દિગીશ વ્યાસ અને સુ.શ્રી. દ્રષ્ટિ માધાણી દ્વારા કરવામાં આવ્યું. ગુજરાતી ગદ્ય અને ગુજરાતી સંસ્કૃતિની ઉત્તમ છબી રજૂ કરતા આ કાર્યક્રમનો આરંભે વિદ્યાર્થીની કુ. નેન્સી દ્વારા પ્રાર્થના, મહેમાનોનું સ્વાગત અને પ્રકૃતિ પૂજન કર્યા બાદ સમર્પણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ડૉ. આશિષ જનકરાય દવે દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવા સાથે સંસ્કૃતિ જતનમાં માતૃભાષાનું મહત્વ જણાવ્યું હતું, ઉપસ્થિત નાટ્યવિદો દ્વારા પ્રભાવક રીતે વાચિકમ દ્વારા મુનશીના પાત્રોને શબ્દ દેહે સમર્પણ પરિસરમાં માતા સરસ્વતી સમક્ષ સાક્ષાત ઉપસ્થિત થવા આહવાન કરેલ હતું અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન અને સંચાલન ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો.દીપક પંડ્યા દ્વારા કરવામાં આવ્યું, આ કાર્યક્રમમાં ભગિની સંસ્થાના આચાર્ય ડૉ. રાજી ડેનિશ અને અનમોલ સિંહ ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમના અંતે આભારદર્શનની જવાબદારી કોલેજના ઉપાચાર્ય ડૉ. હેમંત વૈષ્ણવ દ્વારા સાંભળવામાં આવી હતી.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
