રાધનપુર : કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદનો અંત, સમાજ ની બેઠક બાદ પરિવારને સોંપાઈ

સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ, કિંજલની ઘર વાપસીથી અનેક સવાલો ઉભા- સમાજની સમજણ કે દબાણ? હાઈવોલ્ટેજ ડ્રામા બાદ મામલો શાંત
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ગામની વતની અને ‘કોયલ કંઠી’ તરીકે જાણીતી લોકગાયિકા કિંજલ રબારીના પ્રેમલગ્નને લઈને સર્જાયેલો હાઈવોલ્ટેજ વિવાદ મોડી રાત્રે સમાધાન તરફ વળ્યો હોવાનું સામે આવ્યું છે. સમાજના આગેવાનોની બેઠક બાદ કિંજલ રબારીને તેના પરિવારને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે સોશિયલ મીડિયામાં કરેલી તેની પોસ્ટ અને વીડિયો પણ ડિલીટ કરી દેવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હોવાની જાહેરાત થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને કરી હતી. તેણે વીડિયોમાં જણાવ્યું હતું કે, તે પોતાની રાજીખુશીથી અશોક ચૌધરી સાથે રહેવા ગઈ છે. જોકે આ લગ્ન બાદ સમાજમાં ભારે ચર્ચા અને વિરોધ શરૂ થયો હતો.

કિંજલ રબારીએ પોતાના વીડિયોમાં આક્ષેપ કર્યો હતો કે પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરવાના કારણે તેને મારી નાખવાની અને અપહરણ કરવાની ધમકીઓ મળી રહી છે. આ મામલે તેણે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પાસે સુરક્ષાની માગ પણ કરી હતી.
આ સમગ્ર ઘટનાક્રમને પગલે રબારી અને ચૌધરી સમાજ વચ્ચે તણાવ વધ્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બંને સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવાયો કે કિંજલ રબારીને તેના પરિવારને પરત સોંપવામાં આવશે.
મોડી રાત્રે લેવાયેલા આ નિર્ણય બાદ કિંજલ રબારી અને અશોક ચૌધરીને અલગ કરવામાં આવ્યા હતા અને કિંજલને તેના પિયર પક્ષને સોંપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ કિંજલે અગાઉ સોશિયલ મીડિયામાં અપલોડ કરેલા વીડિયો અને પોસ્ટ પણ ડિલીટ કરી દીધા છે.

કિંજલ રબારીએ અગાઉ પોતાના વીડિયોમાં સમાજના બેવડા ધોરણો પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી તે પરિવાર અને સમાજ માટે કમાતી હતી ત્યાં સુધી બધાને સારી લાગતી હતી, પરંતુ પોતાની વ્યક્તિગત જીવન અંગે નિર્ણય લેતાં જ તેને ખોટી ઠેરવવામાં આવી રહી છે. તેણે સમાજને સમજણથી કામ લેવા અને પોતાના નિર્ણયને વ્યક્તિગત પસંદગી તરીકે સ્વીકારવાની અપીલ પણ કરી હતી.
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે વાવ-થરાદ વિસ્તારમાં રબારી સમાજના અગ્રણી ઠાકરશીભાઈ રબારીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે સનાતન સંસ્કૃતિમાં દરેક સમાજની પોતાની પરંપરા અને મર્યાદાઓ હોય છે અને તેનું પાલન કરવું જરૂરી છે.
હાલ કિંજલ રબારી ઘરે પરત ફરતા આ વિવાદ થાળે પડ્યો હોય તેમ લાગી રહ્યું છે. જોકે, સોશિયલ મીડિયામાં પોસ્ટ અચાનક ડિલીટ થવી અને સમાજની બેઠક બાદ તેને પરિવારને સોંપી દેવામાં આવતાં અનેક સવાલો પણ ઉભા થયા છે. આ સમાધાન કિંજલની મરજીથી થયું છે કે સામાજિક દબાણ હેઠળ, તે મુદ્દે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
