સમીના તળાવમાં ન્હાવા પડેલા 58 વર્ષીય આધેડનું ડૂબી જવાથી મોત

કમળ કાકડીના વેલામાં ફસાતાં દુર્ઘટના સર્જાઈ; ત્રણ કલાકની ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયો, સમી પોલીસે તપાસ હાથ ધરી
કેપિટલ મેસેજ
Capital message
28, October, 2026
સમી ખાતે આવેલા તળાવમાં ન્હાવા પડેલા 58 વર્ષીય મનુભાઈ મગનભાઈ શ્રીમાળીનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. તળાવમાં ઉગેલા કમળ કાકડીના વેલામાં ફસાઈ જતાં તેઓ બહાર નીકળી શક્યા ન હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક લોકો, મામલતદાર કચેરીની ટીમ અને જી.આર.ડી.ના જવાનોએ મૃતદેહને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, સમી ખાતે રહેતા મનુભાઈ મગનભાઈ શ્રીમાળી તળાવમાં ન્હાવા માટે ઉતર્યા હતા. આ દરમિયાન તળાવમાં ફેલાયેલા કમળ કાકડીના વેલામાં ફસાઈ જતાં તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સહિત તંત્રની ટીમો સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. લગભગ ત્રણ કલાકની ભારે જહેમત બાદ મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સમુદાય આરોગ્ય કેન્દ્ર, સમી ખાતે મોકલવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સમી પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
