920 આંગણવાડીઓનો કાયાકલ્પ: પાટણ જિલ્લામાં આંગણવાડી નવીનીકરણ ઝુંબેશનો ઉત્સાહભેર પ્રારંભ

16 ફેબ્રુઆરી સુધી ચાલશે અભિયાન; શ્રેષ્ઠ કેન્દ્રોને રાજ્ય સ્તરે મળશે સન્માન
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરની આંગણવાડીઓના સુદ્રઢીકરણ અને સૌંદર્યીકરણ માટે તા. 16 જાન્યુઆરીથી “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” હાથ ધરવામાં આવી છે, જે તા. 16 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે. આ અભિયાન અંતર્ગત પાટણ જિલ્લામાં કાર્યરત અંદાજે 920 જેટલી આંગણવાડી કેન્દ્રોમાં વ્યાપક સુધારણા અને આધુનિકીકરણની કામગીરીનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે.
બાળકોને સુરક્ષિત, સ્વચ્છ અને ભણવા માટે પ્રોત્સાહિત કરે તેવું આકર્ષક વાતાવરણ પૂરું પાડવાનો આ ઝુંબેશનો મુખ્ય હેતુ છે. અભિયાન પૂર્ણ થયા બાદ તમામ આંગણવાડી કેન્દ્રોનું મૂલ્યાંકન કરવામાં આવશે અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કેન્દ્રોને રાજ્ય સ્તરે પુરસ્કૃત કરવામાં આવશે.
ઝુંબેશના મુખ્ય પાસાઓ નીચે મુજબ છે:
(1) સર્વાંગી સૌંદર્યીકરણ:
જિલ્લાની સ્વતંત્ર મકાન ધરાવતી આંગણવાડીઓમાં આકર્ષક રંગકામ તેમજ જરૂરી નાના-મોટા સમારકામ દ્વારા કેન્દ્રોને નવું અને આકર્ષક રૂપ આપવામાં આવી રહ્યું છે.
(2) માળખાકીય સુધારણા:
આંગણવાડી મકાનો જર્જરિત ન બને તે માટે વાર્ષિક મરામત અને લાંબા ગાળાની જાળવણી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી કેન્દ્રો વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત બને.
(3) જનભાગીદારી અને CSR સહયોગ:
સરકારી ગ્રાન્ટ સાથે લોકભાગીદારી તથા CSR ફંડના સમન્વય દ્વારા આંગણવાડીઓને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પાટણ જિલ્લાના આઈસીડીએસ (ICDS) વિભાગ તથા સંલગ્ન શાખાઓના અધિકારીઓ ઝુંબેશને સફળ બનાવવા માટે ખંતપૂર્વક કાર્યરત છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તમામ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને સક્રિય સહભાગિતા સાથે સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી છે.
આ અભિયાનથી જિલ્લામાં આંગણવાડીઓમાં બાળકોની હાજરીમાં વધારો થશે તેમજ તેમના પાયાના શિક્ષણ અને સર્વાંગી વિકાસમાં ગુણાત્મક સુધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
