રાનીની વાવ ઉત્સવ-૨૦૨૬

પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર દ્વારા રાણીની વાવ ઉત્સવનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું.
ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર પાટણ દ્વારા દર વર્ષે પરંપરાની જેમ રાણીની વાવ ઉત્સવ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સવનું ઉદઘાટન જિલ્લાના પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે થયું.
યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં રાણીની વાવનો સમાવેશ થવાનો ઉમંગ ઉજવવા માટે દર વર્ષે આ ઉત્સવનું આયોજન થાય છે. ઉત્સવમાં ગુજરાતના જાણીતા કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા.

તા. ૦૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ બલરાજ શાસ્ત્રી એન્ડ ગ્રૂપ દ્વારા સંગીતના સૂર દ્વારા કરાયું હતું તથા ભરૂચનું પ્રસિદ્ધ સીદી ધમાલ લોકનૃત્ય રજૂ થયું, જેમાં દર્શકોએ ઉત્સાહભેર પ્રસંગનો આનંદ માણ્યો.
આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે, રાણીની વાવનો યુનેસ્કો ની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવેશ પાટણ, સમગ્ર ગુજરાત અને ભારત માટે ગૌરવની વાત છે. રાજ્ય સરકાર શૈલી અને આ ગૌરવની યાદમાં પ્રતીકરૂપે દર વર્ષે આ ઉત્સવનું આયોજન કરે છે.
તેમણે વધુમાં કહ્યું કે, પાટણ ઈતિહાસ ધરાવતું શહેર છે, જે લગભગ ૮૦૦ વર્ષ સુધી ગુર્જર ધરાની પાટનગર તરીકે ખ્યાતિ પામ્યું. સરસ્વતી નદીના કિનારે રાણીની વાવ ઈ.સ. ૧૦૬૩માં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની યાદમાં રાણી ઉદયમતીએ બનાવી હતી. પ્રેમ, સમર્પણ અને કલાની અનોખી અભિવ્યક્તિરૂપે ઊભી થયેલી આ વાવ ભારતની શ્રેષ્ઠ શિલ્પ-સ્થાપત્યોમાંનું એક છે.
સદીઓ પહેલા આ વારસાને ભારતીય પુરાતત્વ વિભાગે ઈ.સ. ૧૯૬૮માં ઉત્કરણ કરી ફરી એકવાર લોકો સમક્ષ લાવી, ત્યારબાદ લોકોએ તેની મહિમા ફરીથી અનુભવી છે.
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના પ્રયત્નોથી ૨૦૧૪માં રાણીની વાવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો. ૨૦૧૮માં રૂ.૧૦૦ની નવી નોટ પર પણ રાણીની વાવનું સ્થાન મળ્યું, જે તેની વૈશ્વિક ઓળખ દર્શાવે છે.

આજે રાણીની વાવ માત્ર ઐતિહાસિક સ્મારક નથી, પરંતુ પાટણની શાન, ગુજરાતની ઓળખ અને ભારતની સાંસ્કૃતિક વારસાનો જીવંત પ્રતીક બની ગઈ છે. દેશ અને વિદેશથી હજારો પર્યટકો અહીં આવી અમારા પૂર્વજોની કલાત્મક દૃષ્ટિને સન્માન આપે છે.

ઉત્સવ દરમ્યાન રાણીની વાવને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી હતી, જેનાથી પરિસરમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા પોલીસ વડા વી.કે. નાયી, નિવાસી અધિક કલેક્ટર હિરેન ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, હુડકોના ચેરમેન કે.સી. પટેલ, સંગઠનના પ્રમુખ રમેશભાઈ સિંધવ, સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
