સમી શહેરમાં ગટર સમસ્યા યથાવત : વર્ષોથી ગંદા પાણીમાં જીવતા નાગરિકો, તંત્ર સામે આક્રોશ વધ્યો

કેપિટલ મેસેજ, ન્યુઝ
રાવળ વાસ સહિત અનેક વિસ્તારોમાં ગટર ઓવરફ્લો, રોગચાળાનો ભય-અનેક રજૂઆત છતાં ઉકેલ નહીં
સમી શહેરમાં મૂળભૂત સુવિધાઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. શહેરના રાવળ વાસ સહિત અન્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી ગટર ની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. ગટરના ગંદા પાણી રસ્તા પર તથા રહેણાંક વિસ્તારોમાં ફેલાતા સ્થાનિક લોકોના દૈનિક જીવન પર ભારે અસર પડી રહી છે. હાલત એવી છે કે અનેક જગ્યાએ લોકો ગંદા પાણીમાંથી પસાર થઈને જ ઘરમાં પ્રવેશ કરવા મજબૂર બન્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ સમસ્યા અંગે અનેક વખત ગ્રામ પંચાયત તેમજ જવાબદાર અધિકારીઓને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. છતાં આજદિન સુધી કોઈ સ્થાયી ઉકેલ આવ્યો નથી. તલાટી કમ મંત્રી તથા તાલુકા પંચાયત વિકાસ અધિકારીને વારંવાર રજૂઆત છતાં યોગ્ય કામગીરી હાથ ધરાતી નથી, જેને લઈને લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.

ગટર ઓવરફ્લોના કારણે આસપાસ સતત દુર્ગંધ ફેલાઈ રહી છે અને મચ્છર-માખીનો ઉપદ્રવ વધી રહ્યો છે. સ્થાનિકો રોગચાળાના ભય હેઠળ જીવી રહ્યા છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં તબિયત ખરાબ થવાના બનાવો વધતા લોકો ચિંતિત બન્યા છે. સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત મૂળભૂત સુવિધાઓ ન મળતા નાગરિકો પોતાને અવગણના અનુભવી રહ્યા છે.
ગામ લોકોમાં ચર્ચા છે કે સમસ્યા લાંબા સમયથી યથાવત હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય આયોજન કે દુરસ્તી કામગીરી હાથ ધરાતી નથી. લોકો હવે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આખરે સમી શહેરની જનતાને આ પરિસ્થિતિમાંથી રાહત ક્યારે મળશે? શું રોગચાળો ફાટી નીકળ્યા બાદ જ તંત્ર જાગશે કે સમયસર કાર્યવાહી થશે?
સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક સર્વે કરી ગટર લાઇનની મરામત, નવી લાઇન નાખવાની અને સફાઈની નિયમિત વ્યવસ્થા શરૂ કરવાની માંગ કરી છે. સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા દવાઓનો છંટકાવ તથા સ્વચ્છતા અભિયાન હાથ ધરવાની પણ માંગ ઉઠી રહી છે. હવે જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર સમસ્યાની ગંભીરતા સમજી ઝડપી પગલાં લે છે કે લોકોની પરેશાની યથાવત રહે છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
