ડભોઇ શહેર રખડતા ઢોરોનો આતંક મહુડી ભાગોળ પાસે બે આખલાઓ વચ્ચે એક કલાક સુધી જંગ, વાહન ચાલકોમાં ભારે ગભરાટ

કેપિટલ મેસેજ, ન્યુઝ
નગરપાલિકાની કામગીરી માત્ર કાગળ પર? પતરાવાળી હોટલ પાસે આખલાઓએ મચાવ્યો ભારે ઉત્પાત; અનેક વાહનોને નુકસાન ડભોઇ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. આજે સાંજના સમયે શહેરના વ્યસ્ત ગણાતા મહુડી ભાગોળ બહાર, રાણાની હોટલ પાસે બે આખલાઓ વચ્ચે સર્જાયેલા ભયાનક યુદ્ધને કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
એક કલાક સુધી ચાલ્યું આખલા-યુદ્ધ પ્રાપ્ત વિગતો અનુસાર, મહુડી ભાગોળ વિસ્તારમાં અચાનક બે આખલાઓ સામસામે આવી ગયા હતા અને એકબીજા સાથે શીંગડા ભેરવી યુદ્ધે ચઢ્યા હતા. આ જંગ સતત એક કલાક સુધી ચાલ્યો હતો. રસ્તાની વચ્ચે જ આખલાઓ બાખડતા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ થંભી ગયા હતા. લોકોમાં એટલો ગભરાટ હતો કે કોઈ નજીક જવાની હિંમત કરી શકતું નહોતું.

વાહનો અને લારીઓને નુકસાનઆખલાઓના આ આતંકમાં રોડ પર પાર્ક કરેલી કેટલીક બાઈકો અને લારીઓને ભારે નુકસાન પહોંચ્યું છે. આખલાઓ લડતા-લડતા વાહનો પર પડતા વાહનોના ફુરચા નીકળી ગયા હતા. સ્થાનિક લોકોએ ભેગા મળીને આખલાઓને છૂટા પાડવા માટે લાકડીઓ અને પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ લાંબા સમય સુધી આખલાઓ કાબૂમાં આવ્યા નહોતા.
નગરપાલિકાની ઉદાસીનતા સામે જનરોષ ડભોઇ નગરપાલિકા દ્વારા અગાઉ ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિકોના આક્ષેપ મુજબ આ કામગીરી માત્ર એક-બે દિવસનો દેખાડો બનીને રહી ગઈ છેશહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરોનો જમાવડો જોવા મળે છે પાલિકા તંત્ર કોઈ મોટી જાનહાનીની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં નક્કર આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છેશું તંત્ર જાગશે આજની આ ઘટનાએ ડભોઇના નગરજનોમાં ફફડાટ ફેલાવી દીધો છે. લોકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે શું નગરપાલિકા રખડતા ઢોરોને પકડવા માટે કોઈ કાયમી અને ચોક્કસ આયોજન કરશે કે પછી કોઈનો જીવ જશે ત્યારે જ કુંભકર્ણની નિદ્રામાંથી જાગશે
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
