છત્રપતિ શિવાજી સમિતિ આયોજિત વિરાટ હિંદુ સંમેલન રામચોક, ખોખરવાડામાં ભવ્ય રીતે સંપન્ન – સમાજની વિશાળ ઉપસ્થિતિ સાથે એકતા અને સંસ્કારનો સંદેશ

કેપિટલ મેસેજ, ન્યુઝ
રામચોક, ખોખરવાડો ખાતે તા. 21/02/2026, શનિવારના રોજ રાત્રે 8:30 કલાકે “વિરાટ હિંદુ સંમેલન” ભવ્ય રીતે યોજાયું. કાર્યક્રમમાં સમાજના તમામ વર્ગના લોકોની ઉત્સાહભેર અને વિશાળ ઉપસ્થિતિ જોવા મળી.
કાર્યક્રમની શરૂઆત સમાજની દીકરીઓ દ્વારા રજૂ કરાયેલ સ્વાગત ગીતથી થઈ, જેના દ્વારા સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉર્જાવાન બની ગયું. ત્યારબાદ દુર્ગાવાહિની બહેનો દ્વારા સાહસિક તલવાર કૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું, જેને દર્શકો દ્વારા જોરદાર તાળીઓ સાથે વધાવવામાં આવ્યું.
કાર્યક્રમમાં આશીર્વચન રૂપે પરમ પૂજ્ય આભાદિદી દ્વારા અધ્યાત્મિકતા, હિન્દુ એકતા અને સમરસતા વિષય પર પ્રેરણાદાયી સંબોધન આપવામાં આવ્યું. મુખ્ય વક્તા રૂપકભાઈ રાવલે પંચ પરિવર્તન અને હિન્દુ ગૌરવ વિષય પર પોતાના વિચારો રજૂ કરી સમાજને સકારાત્મક દિશામાં આગળ વધવા પ્રેરિત કર્યો. મહિલા વક્તા મમતાબેન ખમારે કુટુંબ પ્રબોધન અંગે અસરકારક માર્ગદર્શન આપ્યું, જ્યારે યુવા વક્તા વિપુલભાઈ પરમારે પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવતી વાતો રજૂ કરી.

સંયોજક ઉત્કર્ષભાઈ અને વાલી પારસભાઈના માર્ગદર્શન હેઠળ તથા સમિતિના તમામ સભ્યોના અથાગ પરિશ્રમથી અને સમાજના અગ્રણીજનોના સહયોગ તથા સમાજના યુવાઓના સતત પ્રયત્નોથી કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયો.
કાર્યક્રમના અંતે સંગીત જલસામાં સમગ્ર સમાજ ઝૂમી ઉઠ્યો અને આનંદમય માહોલ સર્જાયો. ઉપસ્થિત મહાનુભાવો અને સૌજન્યસભ્યો માટે ચા-નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ રીતે “વિરાટ હિંદુ સંમેલન” સમાજમાં એકતા, સંસ્કાર અને ઉત્સાહનું અનોખું પ્રતિક બની સફળતાપૂર્વક સંપન્ન થયું.
