જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરની અધ્યક્ષતામાં પાટણ ખાતે “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ”ની ઉજવણી

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાટણ જિલ્લાના ૧,૮૨,૮૫૬ ખેડૂતોને રૂ.૩૭.૫૬ કરોડ સહાય DBT મારફતે જમા
ગુવાહાટીથી વડાપ્રધાનના સંબોધન અને ગાંધીનગર રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળાયું
ખેડૂતોની મહેનત અને સરકારની યોજનાઓથી પાટણ જિલ્લામાં કૃષિ વિકાસને વેગ : હેતલબેન ઠાકોર
કેપિટલ મેસેજ, ન્યુઝ
દેશભરમાં આજે “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુવાહાટી (આસામ) ખાતેથી પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર દેશના ૯.૩૨ કરોડથી વધુ ખેડૂત કુટુંબોને રૂ.૧૮,૬૫૦ કરોડથી વધુની સહાય ડી.બી.ટી. (DBT) મારફતે સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવી હતી. આ પ્રસંગે પીએમ કિસાન યોજનાનો ૨૨મો હપ્તો રીલીઝ કરવામાં આવ્યો હતો.

આ અવસરે પાટણ ખાતે ન્યુ શાકભાજી માર્કેટ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન દ્વારા ગુવાહાટીથી આપવામાં આવેલ સંબોધન તેમજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.
રાજ્યમાં આ યોજનાના અંતર્ગત ૪૯.૫૯ લાખથી વધુ ખેડૂતોને રૂ.૧૦૨૮ કરોડથી વધુની સહાય ૨૨મા હપ્તા તરીકે સીધી તેમના બેંક ખાતામાં જમા થનાર છે.
પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પાટણ જિલ્લાના ૧,૮૨,૮૫૬ ખેડૂતોને રૂ.૨૦૦૦ લેખે કુલ રૂ.૩૭.૫૬ કરોડ સહાય DBT મારફતે તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પાટણ જિલ્લાએ કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. જિલ્લામાં કુલ ૩,૯૬,૨૬૮ હેક્ટર ખેતીલાયક વિસ્તાર છે અને ખેડૂતોની મહેનત તેમજ સરકારની વિવિધ સહાયકારી યોજનાઓના કારણે કૃષિ ક્ષેત્રે સતત વિકાસ થઈ રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પાટણ જિલ્લામાં આઇ ખેડૂત પોર્ટલ હેઠળ કુલ ૩૨,૨૮૨ ખેડૂતોને રૂ.૭૮૫૭.૦૩ લાખ જેટલી સહાય આપવામાં આવી છે. આ સહાયના કારણે ખેડૂતોને આધુનિક કૃષિ સાધનો, મશીનરી તથા નવીન ખેતી પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહન મળ્યું છે.
તેમણે ખેડૂતોને ડ્રોન ટેકનોલોજી, આધુનિક ખેતી પદ્ધતિઓ અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા પણ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ હેતલબેન ઠાકોર તથા મંચસ્થ મહાનુભાવોના હસ્તે ખેડૂત લાભાર્થીઓને વિવિધ યોજનાઓના પૂર્વ મંજૂરી ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ખેતીવાડી અધિકારી જીગ્નેશ પટેલ સહિત વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
