રાધનપુર તાલુકાના કામલપુરમાં ધુળેટીની અનોખી વર્ષોજૂની પરંપરા.

કેપિટલ મેસેજ, ન્યુઝ
કામલપુર ગામમાં ધુળેટી દિવસે રંગોની ઉજવણી કરવામાં આવતી નથી.
અબીલ-ગુલાલ વિના ધૂળેટી પર્વની ઉજવણી… ગામમાં નકળંગ મહારાજની ભવ્ય પાલખીયાત્રા નીકળે છે જેમાં સમગ્ર ગામ ભક્તિમય બન્યું.
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કામલપુર ગામે ધુળેટી પર્વની અનોખી અને વર્ષો જૂની પરંપરાને આ વર્ષે પણ શ્રદ્ધાભેર નિભાવવામાં આવી. સામાન્ય રીતે ધુળેટી અબીલ-ગુલાલ અને રંગોથી રમાતો પર્વ ગણાય છે, પરંતુ કામલપુર ગામમાં ધુળેટી દિવસે રંગોની ઉજવણી કરવામાં આવતી નથી. અહીં ધુળેટીનો દિવસ ભગવાન નકળંગ મહારાજની પાલખીયાત્રાને અર્પણ કરવામાં આવે છે, જે ગામની આગવી ઓળખ બની ગઈ છે.

ગામ સ્થિત પ્રાચીન નકળંગ મહારાજના મંદિરે દિવાળી અને ફાગણ માસની હોળી દિવસે પાલખી કાઢવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. પરંપરા મુજબ બપોરે 3 વાગ્યે મહારાજનો વરઘોડો ધામધૂમથી નીકળે છે. મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં સામૈયા લઈને આગળ ચાલે છે, જ્યારે યુવકો શ્રીફળ લઈને માનતાઓ રગડે છે અને ભક્તિભાવ સાથે શોભાયાત્રામાં જોડાય છે. સમગ્ર યાત્રા દરમિયાન ભજન-કીર્તનના નાદ સાથે ગામનું વાતાવરણ ભક્તિમય બની જાય છે.
પાલખીયાત્રા ગામની મુખ્ય શેરીઓમાં ભ્રમણ કરી પુનઃ મંદિર ખાતે પરત ફરે છે. યાત્રા દરમિયાન અબીલ-ગુલાલ કે કંકુથી રંગોત્સવ કરવામાં આવતો નથી, પરંતુ શ્રદ્ધા, શિસ્ત અને પરંપરાગત રીતિ-રિવાજો સાથે ધુળેટી ઉજવવામાં આવે છે. આ અનોખી પરંપરા કામલપુરને આસપાસના વિસ્તારોમાં વિશિષ્ટ ઓળખ અપાવે છે.

આ પ્રસંગે ગામમાં આવતા મહેમાનો અને ભક્તજનોનું આત્મિય સ્વાગત કરવામાં આવે છે. યાત્રા પૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ગામજનો અને મહાનુભાવો હાજરી આપે છે.
વર્ષોથી અવિરત ચાલી આવતી આ પરંપરા માત્ર ધાર્મિક શ્રદ્ધાનું પ્રતિક નથી, પરંતુ ગામની એકતા, સંસ્કૃતિ અને સંસ્કારનું જીવંત પ્રતિબિંબ પણ છે. ધુળેટીના દિવસે રંગોથી દૂર રહી ભક્તિ અને પરંપરાને પ્રાધાન્ય આપતું કામલપુર ગામ આજે પણ પોતાની આ આગવી ઓળખ જાળવી રાખી રહ્યું છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
