આઇકોનિક પાટણ બસ મથક શરૂ થતા પહેલા ટ્રાફિક વ્યવસ્થા મજબૂત ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી

કેપિટલ મેસેજ, ન્યુઝ
આઇકોનિક પાટણ બસ મથકના પ્રારંભ પહેલા ટ્રાફિક વ્યવસ્થાને ગતિ – શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક ઝોન સૂચના સ્ટેન્ડ લગાવી વાહનચાલકોને ચેતવણી, નિયમભંગ પર કડક કાર્યવાહી
પાટણ શહેરમાં આવતીકાલથી શરૂ થનારા આઇકોનિક પાટણ બસ મથકને ધ્યાનમાં રાખીને પાટણ સીટી ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા પાટણ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
બસ મથક તરફ જતાં માર્ગો અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક અવરોધ ઊભો ન થાય તે માટે વિવિધ સ્થળોએ “ટ્રાફિક ઝોન” લખાણ સાથેના સૂચના સ્ટેન્ડ લગાવવામાં આવ્યા છે. આ સ્ટેન્ડ દ્વારા વાહનચાલકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે અને નિયમોના પાલન માટે સૂચના આપવામાં આવી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, બસ મથક શરૂ થાય તે પહેલાં જ ટ્રાફિક વ્યવસ્થા સુવ્યવસ્થિત રહે તે માટે પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ખાસ કરીને બસ પસાર થતા માર્ગો પર કોઈપણ પ્રકારનો ટ્રાફિક અવરોધ ન થાય તે માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
ટ્રાફિક પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, નિર્ધારિત ટ્રાફિક ઝોનમાં કોઈપણ વ્યક્તિ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરવામાં આવશે તો ટ્રાફિક કાયદાઓ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
પાટણ સીટી ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને વ્યવસ્થામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટ: પરેશ ઝાલા, પાટણ
