સમી-શંખેશ્વર હાઇવે પર ગમખ્વાર અકસ્માત: છોટા હાથી પલટી જતાં બે મહિલાનાં કરુણ મોત, ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

મૃતકોના પરિવારમાં શોકનું મોજું, ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
કેપિટલ મેસેજ
Capital message
28, October,2027
પાટણ જિલ્લાના સમી-શંખેશ્વર હાઇવે પર છોટા હાથી ગાડી પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે મહિલાઓનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ત્રણ મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. અકસ્માતની ઘટનાને પગલે વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી અને મૃતક મહિલાઓના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, સમી-શંખેશ્વર હાઇવે પરથી પસાર થઈ રહેલી છોટા હાથી ગાડી અચાનક માર્ગની સાઇડમાં ઊતરી જતાં પલટી મારી ગઈ હતી. ગાડીમાં સવાર પાંચ મહિલાઓ અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતની ગંભીરતાને પગલે ઘાંચી જોરાબેન ચંદાભાઈ (ઉંમર 50 વર્ષ) અને સિપાઈ ખતીજાબેન સોરાબભાઈ (ઉંમર 65 વર્ષ)નાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.
જ્યારે અકસ્માતમાં ઘાંચી હાજરાબેન સદ્દામભાઈ (ઉંમર 35 વર્ષ), ઘાંચી મરિયમબેન ઇદ્રેશભાઈ (ઉંમર 48 વર્ષ) અને ઘાંચી સાજેદાબેન બિલાલભાઈ (ઉંમર 36 વર્ષ)ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્રણેય ઇજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક સારવાર અર્થે પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
સમી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ
અકસ્મતની જાણ થતાં સમી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની પ્રાથમિક વિગતો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. છોટા હાથી ગાડી કયા સંજોગોમાં માર્ગની સાઇડમાં ઊતરીને પલટી મારી ગઈ તે સહિતનાં પાસાં અંગે તપાસ કરવામાં આવી રહી છે.
સમી-શંખેશ્વર હાઇવે પર સર્જાયેલી આ કરુણ દુર્ઘટનામાં બે મહિલાઓનાં મોત અને ત્રણ મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચતાં પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. એક જ અકસ્માતે બે પરિવારોમાં માતમ અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ, પાટણ
