વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે HNGU ના જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

કેપિટલ મેસેજ, ન્યુઝ
વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ- 2026 ની ઉજવણી નિમિત્તે પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના જર્નાલિઝમ વિભાગ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. “સુરક્ષિત ઉત્પાદનો, આત્મવિશ્વાસી ગ્રાહકો” (Safe Products, Confident Consumers) થીમ અંતર્ગત તા. 9 માર્ચ થી તા. 19 માર્ચ સુધી ગ્રાહક જાગૃતિ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે યુનિવર્સિટી ખાતે ત્રણ દિવસ સુધી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી.
જર્નાલિઝમ વિભાગના હેડ આનંદભાઈ પટેલ અને પ્રોફેસર ભરતભાઈ ચૌધરીના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ગ્રાહક અધિકારો અંગે જાગૃતિ ફેલાવવા માટે નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તેમજ જાગૃતિ રેલી યોજાઈ હતી. આ સ્પર્ધાઓમાં જર્નાલિઝમ વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ગ્રાહક સુરક્ષા, ગુણવત્તાવાળા ઉત્પાદનો તથા ગ્રાહકના હકો અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

નિબંધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ આજના સમયમાં ગ્રાહકોને મળતા હકો, બજારમાં ઉપલબ્ધ ઉત્પાદનોની ગુણવત્તા તેમજ ગ્રાહકોને સાવચેત રહેવાની જરૂરિયાત અંગે વિસ્તૃત રીતે લખાણ રજૂ કર્યું હતું. ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ સર્જનાત્મક રીતે સુરક્ષિત ઉત્પાદનો અને જાગૃત ગ્રાહકના સંદેશને ચિત્રો દ્વારા વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત જાગૃતિ રેલી દ્વારા યુનિવર્સિટી કેમ્પસ અને આસપાસના વિસ્તારમાં લોકોને ગ્રાહક અધિકારો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.એડવોકેટ જયેશભાઇ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું વિદ્યાર્થીઓએ પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર દ્વારા સુરક્ષિત ઉત્પાદનો ખરીદવા, બિલ લેવાની અને ગ્રાહક તરીકે પોતાના હકો અંગે સજાગ રહેવાનો સંદેશ આપ્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જાગ્રુત ગ્રાહક મંડળ-પાટણના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનો અને સમાજમાં ગ્રાહક અધિકારો અંગે જાગૃતિ લાવવાનો તેમજ સુરક્ષિત અને જવાબદાર ખરીદી માટે પ્રેરિત કરવાનો રહ્યો હતો.
આ પ્રસંગે ફિઝિક્સ વિભાગના વડા ડૉ દર્શનભાઈ વ્યાસ અને સ્ટાફ ઉપસ્થિત રહયા.
