બજેટમાં આરોગ્ય સુરક્ષામાં રાજ્ય સરકારની ઐતિહાસિક જોગવાઈ : PMJAY થી પાટણ જિલ્લામાં હજારો પરિવારોને જીવનરક્ષક સહારો

બજેટમાં PMJAY માટે ₹3,472 કરોડની જોગવાઈ : પાટણ જિલ્લાને મળશે સીધો લાભ
જિલ્લામાં 1.47 લાખ ક્લેમ પૂર્ણ: ₹3.53 અબજથી વધુની કેસલેસ સારવાર
વધુ લાભાર્થીઓ સુધી યોજનાનો વ્યાપ વધારવા માટે આરોગ્ય વિભાગ પ્રતિબદ્ધ: જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિષ્ણુભાઈ પટેલ
કેપિટલ મેસેજ, ન્યુઝ
રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂપિયા 25,403 કરોડની વિશાળ જોગવાઈ કરવામાં આવી છે, જે “સ્વસ્થ રાજ્ય–સુરક્ષિત નાગરિક”ના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. નાગરિકોને આરોગ્ય સુરક્ષા પ્રાપ્ત થાય તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY – આયુષ્માન ભારત) અંતર્ગત રૂપિયા 3,472 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ પહેલનો સીધો લાભ પાટણ જિલ્લાના નાગરિકોને પણ મળી રહ્યો છે.

પાટણ જિલ્લામાં વર્ષ 2018થી PMJAY યોજના સફળતાપૂર્વક અમલમાં છે અને ગરીબ તથા મધ્યમ વર્ગના પરિવારો માટે આરોગ્ય ક્ષેત્રે મજબૂત સુરક્ષા કવચ સાબિત થઈ રહી છે.
જિલ્લા પંચાયત પાટણની આરોગ્ય શાખા દ્વારા અસરકારક અમલીકરણના પરિણામે તા. 31/12/2025ની સ્થિતિએ જિલ્લામાં PMJAY યોજનાના લાભાર્થીઓ દ્વારા 30,973 ક્લેમ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત રૂપિયા 63,16,85,198ની કેસલેસ સારવાર લાભાર્થીઓને ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વર્ષ 2018 થી અત્યાર સુધીમાં કુલ 8,20,494 કાર્ડ ઇસ્યૂ કરવામાં આવ્યા છે.
યોજનાના અમલીકરણથી અત્યાર સુધીમાં 1,47,079 ક્લેમ અંતર્ગત રૂપિયા 3,53,88,63,505 ની કેસલેસ સારવાર લાભાર્થીઓને આપવામાં આવી છે, જે યોજનાની વ્યાપક સફળતાનું પ્રતિબિંબ છે.

PMJAY યોજના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે મની પોકેટ બચાવતી યોજના બની છે. દેશની પ્રતિષ્ઠિત ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં નિઃશુલ્ક સારવાર મળતા અનેક પરિવારો મોંઘી સારવારના ખર્ચ, દેવું કે આર્થિક સંકટમાંથી બચી રહ્યા છે. આ યોજના આરોગ્ય ક્ષેત્રે ગરીબો માટે જીવનરેખા સમાન સાબિત થઈ રહી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિષ્ણુભાઈ પટેલ જણાવે છે કે, “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ યોજનાથી દર્દીઓની મની પોકેટ બચી રહી છે અને તેમને ઉચ્ચ ગુણવત્તાની હોસ્પિટલોમાં નિઃશુલ્ક સારવાર મળી રહી છે. પાટણ જિલ્લામાં યોજનાને ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે અને આવનાર સમયમાં વધુ લાભાર્થીઓ સુધી તેનો વ્યાપ વધારવા માટે આરોગ્ય વિભાગ પ્રતિબદ્ધ છે.”
