પાટણમાં સુદામા ચોકડીનો આરસીસી રોડ વિવાદમાં- વાઇબ્રેટર વગર કામ, ટેકનિકલ નિયમોનો ભંગ, લાખોની કામગીરી પર સવાલ

જવાબદાર અધિકારીઓ-કન્સલ્ટન્ટ ગેરહાજર, કોન્ટ્રાક્ટર પર બેદરકારીના આક્ષેપ- સ્થાનિકો માં રોષ, તપાસની માંગ ઉઠી
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ શહેરના ચાણસ્મા હાઈવે તરફ જવાના મુખ્ય માર્ગ પર આવેલી સુદામા ચોકડી પાસે હાલ ચાલી રહેલા આરસીસી રોડના કામમાં ગંભીર ગેરરીતિ અને ટેકનિકલ બેદરકારી સામે આવી છે. ટેન્ડરની શરતો મુજબ રોડની મજબૂતી માટે કંક્રીટ નાખતી વખતે વાઇબ્રેટરનો ઉપયોગ અનિવાર્ય હોવા છતાં, સ્થળ પર કોન્ટ્રાક્ટર દ્વારા વાઇબ્રેટર વગર જ કામગીરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે, જેના કારણે રોડની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ આરસીસી રોડમાં કંક્રીટ સેટિંગ દરમિયાન વાઇબ્રેટરનો ઉપયોગ ન થાય તો અંદર પોલાણ રહી જાય છે, જેના કારણે થોડા સમયમાં જ રોડ તૂટી જવાની શક્યતા વધી જાય છે. લાખો રૂપિયાના ખર્ચે બનતા રોડમાં માત્ર કામગીરી પૂર્ણ કરવા માટે ટેકનિકલ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.
રોડ બન્યા બાદ પાણી તો છાંટવામાં આવે છે પરંતુ માટીના ક્યારા બનાવી પાણી ભરવાની જરૂરી પ્રક્રિયા કરવામાં આવતી નથી, જેના કારણે curing યોગ્ય રીતે ન થતા રોડની મજબૂતી પર વધુ સવાલો ઉભા થયા છે.

ત્રણ રસ્તા પર આવેલા ધમધમતા સુદામા ચોકડી વિસ્તારમાં કામ ચાલી રહ્યું હોવા છતાં સ્થળ પર જવાબદાર અધિકારી કે કન્સલ્ટન્ટ હાજર રહેતા નથી. આ ગેરહાજરીનો લાભ લઇ કોન્ટ્રાક્ટર મનસ્વી રીતે કામગીરી કરી રહ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
વધુમાં, સોસાયટીના રોડ બનાવવાનો અનુભવ ધરાવતા કોન્ટ્રાક્ટર દ્વારા નેશનલ હાઈવે સ્તરના ટ્રાફિક ધરાવતા માર્ગનું કામ હાથ ધરાતા પણ લોકોમાં આશંકા વધી છે અને રોડની ટકાઉપણું અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે.
આ નબળી કામગીરીને લઈને જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ વાઇબ્રેટર વગર કરવામાં આવેલી કામગીરીની તાત્કાલિક ટેકનિકલ તપાસ કરાવવા તેમજ જવાબદાર એન્જિનિયરોને સ્થળ પર હાજર રહી કામગીરીનું નિરીક્ષણ કરવા માંગ ઉઠાવી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
