ડેર ખાતે જલ અર્પણ દિવસ’ની સફળ ઉજવણી: ગ્રામ્ય સ્તરે પાણી પ્રત્યે જવાબદારીનો સંદેશ

કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ: જલ જીવન મિશનના હાર્દરૂપ ઉદ્દેશો અનુસાર યોજનામાં સામુદાયિક માલિકીપણું વિકસાવવું તથા સ્થાનિક સંસ્થાઓને સશક્ત બનાવવાના હેતુસર કલેકટર તુષાર ભટ્ટના અધ્યક્ષ સ્થાને પાટણ તાલુકાના ડેર ખાતે આજ રોજ ‘જલ અર્પણ દિવસ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કલેકટરએ પોતાના સંબોધનમાં પાણીના અમૂલ્ય મહત્વ અંગે ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ, વરસાદી પાણીનો સંગ્રહ અને આવનાર સમય માટે પાણીનો બચાવ અતિઆવશ્યક છે. તેમણે ગ્રામજનોને જલ જીવન મિશન યોજનામાં સક્રિય લોકભાગીદારીથી યોગ્ય સંચાલન, મરામત અને નિભાવણી સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ અંતર્ગત સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પાણી બચાવ અંગે લોકજાગૃતિ ફેલાવવાના હેતુથી રેલી યોજાઈ હતી, જેમાં ગ્રામજનોને પાણીના સંરક્ષણ અને યોગ્ય ઉપયોગ અંગે સંદેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ગ્રામ પંચાયત અને પાણી સમિતિના સભ્યોને કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે જળ કળશ, અભિનંદન પત્ર તથા યોજનાની મરામત અને નિભાવણી માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અર્પણ કરવામાં આવી.
‘જલ અર્પણ દિવસ’ના આ કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય સ્તરે પાણી પ્રત્યે જાગૃતિ અને જવાબદારી ની ભાવના વધુ મજબૂત બનશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ પટેલ, યુનિટ મેનેજર અનિલભાઈ પ્રજાપતિ, મામલતદાર ચૌધરી ,તાલુકા વિકાસ અધિકારી અશોકભાઈ ઠક્કર ,વાસ્મો ના જિલ્લા કોઓર્ડિનેટર મનોજભાઈ પટેલ, વાસ્મો ટીમના પ્રતિનિધિઓ સાથે સ્થાનિક પદાધિકારીઓ, સરપંચઓ, પાણી સમિતિના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
