પાટણ જિલ્લામાં “સમાવેશ આંગણવાડી” તાલીમ – 41 નવ નિયુક્ત કાર્યકરોને દિવ્યાંગ બાળ વિકાસ અંગે વિશેષ માર્ગદર્શન

ICDS જિલ્લા પંચાયતની પહેલ • હારીજથી સાંતલપુર સુધીના ઘટકના કાર્યકરો જોડાયા • ઇન્કલ્યુસિવ શિક્ષણ અને સર્વાંગી વિકાસ પર ભાર
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લામાં બાળ વિકાસ અને દિવ્યાંગ બાળકોના સમાવેશી શિક્ષણને વધુ મજબૂત બનાવવા જિલ્લા પંચાયતની આઇસીડીએસ શાખા દ્વારા મહત્વપૂર્ણ પહેલ હાથ ધરાઈ છે. ભણસાલી ટ્રસ્ટ દ્વારા સંચાલિત રાધનપુર ઘટક ખાતે હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર વિસ્તારના કુલ 41 નવ નિયુક્ત આંગણવાડી કાર્યકરો માટે બે દિવસીય બિનનિવાસી “સમાવેશ આંગણવાડી – ઇન્કલ્યુસિવ તાલીમ” યોજાઈ હતી.
પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ તાલીમમાં કાર્યકરોને પ્રોટોકોલ મુજબ 21 પ્રકારની દિવ્યાંગતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ઉપરાંત બાળ વિકાસના મુખ્ય પાસાઓ, સર્વાંગી વિકાસનું મૂલ્યાંકન, વયકક્ષા મુજબ જૂથ પ્રવૃતિઓ, વિકાસના સીમાચિહ્નો અને માતા-પિતા તથા બાળકો સાથે અસરકારક કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

તાલીમ દરમિયાન જેન્ડર પરિપ્રેક્ષ્ય અભ્યાસક્રમ, શિક્ષણશાસ્ત્રમાં આવશ્યક પરિવર્તન, જૂથ પ્રવૃતિઓ, મુક્ત ચર્ચાઓ તેમજ વિવિધ કેસ સ્ટડીના માધ્યમથી વ્યવહારુ સમજણ વિકસાવવામાં આવી. આ તાલીમનો મુખ્ય હેતુ દિવ્યાંગ અને સામાન્ય બાળકોને એકસરખી શૈક્ષણિક તક મળે તથા પ્રાથમિક કક્ષાએ જ યોગ્ય ઓળખ અને સહાય મળી રહે તે રહ્યો હતો.
માસ્ટર ટ્રેનર તરીકે જિલ્લા PSE ઇન્સ્ટ્રક્ટર ગીતાબેન પરમારે તાલીમ આપી હતી. તાલીમ દરમિયાન CDPO અમીષાબેન પટેલ તથા ઘટક PSE ઇન્સ્ટ્રક્ટર ચાવડા સોનલબેન હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું.
આ તાલીમથી આંગણવાડી કાર્યકરોમાં સમાવેશી શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધતા ભવિષ્યમાં દિવ્યાંગ બાળકોના વિકાસ અને શિક્ષણમાં ગુણાત્મક સુધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
રિપોર્ટર: અનિલ રામાનુજ રાધનપુર
