પાટણ : હારીજ નગરપાલિકામાં ભાજપમાં જ બળવો- પ્રમુખ-ઉપપ્રમુખ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સભ્યો આમને સામને

સ્વદેશી મેળાના ઠરાવથી વિવાદ ભડક્યો • 8 સભ્યોનું અલ્ટીમેટમ • વિકાસ કામો અટક્યા હોવાના આક્ષેપ
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લાના હારીજ નગરપાલિકામાં ભાજપ શાસનમાં આંતરિક મતભેદો હવે ખુલ્લા વિવાદમાં પરિવર્તિત થયા છે. સ્વદેશી મેળાના ઠરાવ મુદ્દે ભાજપના ચૂંટાયેલા સભ્યો જ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે મોરચું ખોલતા નગરપાલિકા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. સભ્યોએ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવી નગરપાલિકા ખાતે જ નારા લગાવતા તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ સ્વદેશી મેળા અંગે પસાર થયેલા ઠરાવને લઈ વિવાદની શરૂઆત થઈ હતી. પ્રમુખ તરફથી કેટલાક સભ્યોએ ઠરાવમાં સહી ન કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, પરંતુ ચૂંટાયેલા સભ્યોએ આ વાતને સખત શબ્દોમાં નકારી કાઢી હતી. સભ્ય રવિ ઠકકરે જણાવ્યું હતું કે સ્વદેશી મેળા અંગે કોઈપણ સભ્યને લેખિત કે મૌખિક જાણ કરવામાં આવી જ નહોતી.

આ મુદ્દા સાથે શહેરના રોડ-રસ્તા, ગટર અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓના પ્રશ્નો પણ તેજ બન્યા હતા. કોર્પોરેટરોએ વિકાસના કામો અટવાયા હોવાનો આક્ષેપ કરી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. સભ્યોના જણાવ્યા મુજબ નગરપાલિકા પ્રમુખ તથા ઉપપ્રમુખ વારંવાર પાલિકામાં હાજર ન રહેતા કામકાજ પ્રભાવિત થઈ રહ્યું છે.
છેલ્લા ઘણા મહિનાઓથી ભાજપના જ સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખ સામે વિરોધ નોંધાવી રહ્યા છે અને તેમને પદ પરથી હટાવવા માટે પક્ષના નેતાઓને રજૂઆતો પણ કરવામાં આવી છે. છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતા હવે મામલો ગંભીર બન્યો છે.
હારીજ નગરપાલિકાના આશરે 8 જેટલા ભાજપ સભ્યોએ આખરી અલ્ટીમેટમ આપ્યું છે કે જો પાર્ટી તાત્કાલિક નિર્ણય નહીં લે તો પ્રમુખ-ઉપપ્રમુખથી નારાજ તમામ સભ્યો કોર્પોરેટર પદેથી રાજીનામું આપી દેશે. આ ચીમકી બાદ સ્થાનિક રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે.
નગરપાલિકામાં વધતા મતભેદોને કારણે વિકાસ કામો પર અસર પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે અને હવે પક્ષ નેતૃત્વ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
