પાટણની દીકરી ડૉ. રિયા મનસુરીએ DM કાર્ડિયોલોજીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો..

મનસુરી સમાજની પ્રથમ મહિલા કાર્ડિયોલોજિસ્ટ બની, પાટણનું ગૌરવ વધાર્યું…
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ શહેર માટે ગૌરવની વાત તરીકે જાણીતા ફિઝિશિયન ડૉ. હમીદભાઈ મનસુરીની પુત્રી ડૉ. રિયા મનસુરીએ તબીબી ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ડૉ. રિયાએ મુંબઈ સ્થિત ડી.વાય. પાટીલ મેડિકલ કોલેજમાંથી DM કાર્ડિયોલોજીની ઉચ્ચ ડિગ્રી ગોલ્ડ મેડલ સાથે પ્રાપ્ત કરી છે. આ સિદ્ધિ સાથે તેઓ મનસુરી સમાજની પ્રથમ મહિલા કાર્ડિયોલોજિસ્ટ બની છે.
ડૉ. રિયા મનસુરીએ પોતાના માતા-પિતા ડૉ. હમીદ મનસુરી અને મુમતાઝ મનસુરીના માર્ગદર્શન અને પ્રેરણાથી તબીબી ક્ષેત્રે આ મહત્ત્વપૂર્ણ સફળતા મેળવી છે. તેમણે પોતાની પોસ્ટ ગ્રેજ્યુએટ (PG)ની તબીબી શિક્ષણયાત્રા પણ મુંબઈની ડી.વાય. પાટીલ મેડિકલ કોલેજમાંથી જ પૂર્ણ કરી હતી.
ડૉ. રિયાની આ ઉપલબ્ધિથી પાટણ શહેર અને સમગ્ર મનસુરી સમાજમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. તેમની આ સિદ્ધિ તબીબી ક્ષેત્રમાં નવી પેઢી માટે પ્રેરણારૂપ બની છે અને સમાજમાં દીકરીઓ માટે પ્રગતિના નવા દ્વાર ખોલ્યા છે.
ડૉ. રિયા મનસુરીને આ સિદ્ધિ બદલ મનસુરી સમાજ સેવા મંડળ, પાટણ તેમજ મન્સુર હેલ્પીંગ હેન્ડ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેમની આ સફળતાથી પાટણ જિલ્લાનું નામ તબીબી ક્ષેત્રમાં વધુ ઉજ્જવળ બન્યું છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
