બાળ મજૂરી નાબૂદી અભિયાન હેઠળ ૧૯૦ બાળકોને કામના સ્થળે શિક્ષણ: પાટણ જિલ્લા વહીવટી તંત્રનો સરાહનીય પ્રયાસ

કેપિટલ મેસેજ, ન્યુઝ
બાળ મજૂરી નાબૂદી અભિયાન અંતર્ગત પાટણ જિલ્લામાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા બાળ શ્રમ નાબૂદી ટાસ્કફોર્સની રચના કરવામાં આવેલ છે. જિલ્લા કલેક્ટર દ્વારા અન્ય રાજ્યોમાંથી સ્થળાંતર કરીને આવતા શ્રમિકોના બાળકોને શિક્ષણનો મૂળભૂત અધિકાર મળી રહે તે માટે જરૂરી પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવેલ છે.
આ સંદર્ભે ટેન્ટ એસ.ટી.પી. યોજના હેઠળ પાટણ જિલ્લામાં કામના સ્થળે જ હંગામી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હારીજ તાલુકાના કુકરાણા વિસ્તારમાં આવેલ ઈંટ ભઠ્ઠા ખાતે કુલ ૬૧ બાળકો માટે ૦૨ ટેન્ટ એસ.ટી.પી. વર્ગો શરૂ કરવામાં આવેલ છે. તેમજ સિદ્ધપુર તાલુકાના કુંવારા અને કાકોશી વિસ્તારમાં આવેલ ઈંટ ભઠ્ઠાઓ ખાતે કુલ ૧૨૯ બાળકો માટે ૦૯ ટેન્ટ એસ.ટી.પી. વર્ગો કાર્યરત છે.

આમ કુલ ૧૧ વર્ગોમાં ૧૯૦ બાળકોને બાળમિત્રો દ્વારા કામના સ્થળે જ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. બાળમિત્રોને માસિક રૂ. ૭,૦૦૦/- માનદ વેતન આપવામાં આવે છે. બાળકોને નોટબુક, કંપાસ, પેન્સિલ, સ્લેટ, દફતર સહિતનું જરૂરી શૈક્ષણિક સાહિત્ય નિઃશુલ્ક આપવામાં આવે છે. ઉપરાંત, દરરોજ બાળકોને પૌષ્ટિક નાસ્તો પણ પૂરું પાડવામાં આવે છે.
આ પહેલનો મુખ્ય હેતુ એ છે કે સ્થળાંતરિત શ્રમિકોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને બાળમજૂરી જેવા દૂષણનો ભોગ ન બને. કામના સ્થળે જ શિક્ષણની સુવિધા ઊભી કરી તેમને પાયાનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જેથી તેઓ ઉજ્જ્વળ ભવિષ્ય તરફ આગળ વધી શકે એવું સરકારી શ્રમ અધિકારી પાટણ ની અખબારી યાદીમાં જણાવ્યું છે.
