પાટણ જિલ્લા ભાજપમાં સ્થાનિક સ્વરાજની જંગ માટે 2 અને 3 એપ્રિલે નિરીક્ષકો ઉમેદવારોનું ભાવિ ચકાસશે
પ્રદેશ નિરીક્ષકોની 3-3 સભ્યોની બે ટિમો પાટણ જિલ્લામાં બે દિવસ રોકાશે

કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ જામ્યો છે. પાટણ જિલ્લાની 9 તાલુકા પંચાયત, 1 જિલ્લા પંચાયત અને 2 નગરપાલિકાઓની બેઠકો માટે સક્ષમ ઉમેદવારોની પસંદગી કરવાના હેતુથી પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષકોની બે વિશેષ ટીમોની જાહેરાત કરવામાં આવી છે.જેમાં ત્રણ નિરીક્ષકોની ટીમો આગામી 2 અને 3 એપ્રિલના રોજ પાટણ જિલ્લાના પ્રવાસે આવશે અને વિવિધ નિર્ધારિત સ્થળોએ ઈચ્છુક ઉમેદવારો અને સંગઠનના અપેક્ષિત કાર્યકરોની રજૂઆતો સાંભળશે. આ પ્રક્રિયા દ્વારા પક્ષના પાયાના કાર્યકરોનો મિજાજ પારખવા અને લોકપ્રિય ચહેરાઓને તક આપવા માટે ‘સેન્સ’ લેવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
નિરીક્ષકોની પ્રથમ ટીમ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે 2જી એપ્રિલે સવારે 10 વાગ્યાથી સાંજ સુધી ઉપસ્થિત રહેશે, જ્યાં પાટણ તાલુકો, સરસ્વતી અને સિદ્ધપુર તાલુકાના દાવેદારોને સાંભળવામાં આવશે.જ્યારે 3જી તારીખે પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાની માટે સેન્સ પક્રિયા યોજાશે.બીજી તરફ, ભૌગોલિક અનુકૂળતા મુજબ અન્ય વિસ્તારો માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં એક ટીમ 2જી એપ્રિલે રાધનપુર એપીએમસી ખાતે રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકાના ઉમેદવારોની રજૂઆતો સાંભળશે.જ્યારે 3જી એપ્રિલે હારીજ ખાતે આવેલી રોહિત કોટન ઇન્ડસ્ટ્રીઝમાં હારીજ, શંખેશ્વર અને ચાણસ્મા તાલુકાના ઈચ્છુક ઉમેદવારો માટે બેઠક યોજાશે.પ્રદેશમાંથી આવનારા 3-3 સભ્યોની આ બે ટીમો સમક્ષ પોતાનું પલડું ભારે કરવા માટે અત્યારથી જ દાવેદારોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બાયોડેટા તૈયાર કરવાથી લઈ તમામ પ્રકારની ગતિવિધિઓ તેજ બની છે.નિરીક્ષકો દ્વારા મેળવવામાં આવેલા આભિપ્રાયો અને વિગતોના આધારે જ આગામી દિવસોમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવારોના નામ પર આખરી મહોર મારશે. આ બે દિવસીય કવાયત બાદ પાટણ જિલ્લાના રાજકારણમાં નવા સમીકરણો સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
