ક્લાસરૂમથી બ્રહ્માંડ સુધી : NGES દ્વારા 2 દિવસીય ભવ્ય સ્પેસ દર્શન કાર્યક્રમનું આયોજન

કેપિટલ મેસેજ, ન્યુઝ
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES) સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ, અરવિંદ જીવાભાઈ વિદ્યામંદિર અને PPG એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને જિજ્ઞાસા વિકસે તે હેતુથી ભવ્ય “સ્પેસ દર્શન કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું, જેમાં 1000થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. અમદાવાદથી આવેલ ખગોળવિજ્ઞાનના નિષ્ણાતોની અનુભવી ટીમે વ્યાવસાયિક અને ઉચ્ચ ક્ષમતા ધરાવતા ટેલિસ્કોપ તથા આધુનિક સાધનો સાથે લગભગ ત્રણ કલાકનો સઘન અને જ્ઞાનવર્ધક કાર્યક્રમ યોજ્યો.

કાર્યક્રમની શરૂઆત દૃશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ દ્વારા કરવામાં આવી, જેમાં સૌરમંડળની રચના, ગ્રહોની પરિક્રમા અને પરિભ્રમણ, તારામંડળોની ઓળખ, રાશિચક્રનું વૈજ્ઞાનિક મહત્વ તેમજ વિવિધ આકાશીય ઘટનાઓ અંગે સરળ અને રસપ્રદ ભાષામાં વિસ્તૃત સમજ આપવામાં આવી. વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું કે ખુલ્લી આંખે રાત્રિ આકાશમાં કયા ગ્રહો અને તારાઓ ઓળખી શકાય, દિશા અને સમય અનુસાર તારામંડળોમાં થતો ફેરફાર કેવી રીતે નિહાળવો અને આકાશનું વૈજ્ઞાનિક અવલોકન કેવી રીતે કરવું.
નિષ્ણાતોએ પ્રાચીન ભારતના ખગોળવિજ્ઞાન, ઋષિ-મુનિઓ દ્વારા કરવામાં આવેલ તારાઓના અભ્યાસ, સમયગણના પદ્ધતિ, રાશિચક્ર અને પંચાંગની વૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિ વિશે માહિતીસભર માર્ગદર્શન આપ્યું. આ દ્વારા વિદ્યાર્થીઓને આધુનિક વિજ્ઞાન અને ભારતીય પરંપરાગત જ્ઞાન વચ્ચેનો સશક્ત સંબંધ સમજવા મળ્યો.

કાર્યક્રમનો સૌથી આકર્ષક અને રોમાંચક ભાગ ટેલિસ્કોપ નિરીક્ષણ રહ્યો, જેમાં વિદ્યાર્થીઓએ ચંદ્રના ખાડાઓ, ગુરુ ગ્રહ તથા તેના મુખ્ય ઉપગ્રહોનું સ્પષ્ટ અવલોકન કર્યું. ઘણા વિદ્યાર્થીઓ માટે આ પ્રથમ અવસર હતો કે તેઓએ ટેલિસ્કોપ દ્વારા આકાશીય પિંડોને નજીકથી નિહાળ્યા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રશ્નોત્તરી સત્ર પણ યોજાયું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછ્યા અને નિષ્ણાતો પાસેથી સંતોષકારક વૈજ્ઞાનિક સમજ મેળવી.
આ સમગ્ર કાર્યક્રમ NGES કેમ્પસના સંચાલક ડૉ. જય ધ્રુવની પ્રેરણા અને પહેલ હેઠળ આયોજન કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સંબંધિત શાળાઓના પ્રિન્સિપાલ ડૉ. ચિરાગ પટેલ, ડૉ. ઝેડ. એન. સોઢા અને વંદના બહેન દવે પોતાના શિક્ષકવર્ગ સાથે હાજર રહ્યા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી હંમેશાં પ્રાયોગિક, અનુભૂતિમય અને મૂલ્યઆધારિત શિક્ષણ માટે પ્રતિબદ્ધ રહી છે. આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી તેમને ભવિષ્યમાં વિજ્ઞાનક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરવા માટે પ્રેરિત કરે છે.
