ડભોઇ રશિયા-યુક્રેન યુદ્ધની પરોક્ષ અસર, ગેસની અછતને કારણે હોટલોમાં દેશી ચૂલા’ પાછા ફર્યો

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઇ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગેસ સિલિન્ડરની ભારે તંગી; નાના વેપારીઓ અને ગલ્લાવાળાઓની રોજીરોટી સંકટમાં.વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય તણાવની સીધી અસર હવે છેક ગુજરાતના ડભોઇ પંથક સુધી જોવા મળી રહી છે. ઈંધણ અને ગેસના પુરવઠામાં અવરોધ ઊભો થતાં ડભોઇ શહેર અને તાલુકામાં ગેસના બોટલની ભારે અછત સર્જાઈ છે. પરિણામે, જે હોટલો અને લારીઓ આધુનિક ગેસ સ્ટવ પર ચાલતી હતી, ત્યાં હવે મજબૂરીમાં ફરીથી જૂની પદ્ધતિ મુજબ લાકડાના ચૂલા ધખાવવાનો વારો આવ્યો છે.ચૂલા પર રસોઈ: ગેસના અભાવે હાઈવે પરની હોટલો અને નાસ્તાના સ્ટોલ પર હવે દેશી લાકડાના ચૂલા પર ભજીયા તળાઈ રહ્યા છે અને ચા ઉકળી રહી છે. જે આધુનિક યુગમાં વિતી ગયેલા સમયની યાદ અપાવે છે.

ધંધા-રોજગારને ફટકો: અનેક નાના ગલ્લાઓ અને ચાની કીટલીઓ ગેસ ન મળવાને કારણે બંધ રાખવાની ફરજ પડી છે. રોજનું કમાઈને રોજ ખાનારા પરિવારો માટે આ સ્થિતિ આર્થિક સંકટ સમાન બની છે કાળાબજારનો ફેલાવો: અછતનો લાભ ઉઠાવીને કેટલાક દલાલો સક્રિય થયા છે. બજારમાં ગેસના બોટલના ₹2,000 સુધીના ઉંચા ભાવ વસૂલવામાં આવી રહ્યા હોવાની બૂમ ઉઠી છે.
ગ્રાહકોની હાલાકી: ગેસ એજન્સીઓ પર ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારના લોકો શહેરમાં ધક્કા ખાઈ રહ્યા છે, છતાં ખાલી હાથે પરત ફરવું પડે છે.
વેપારીઓની વ્યથા સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ, જો આ પરિસ્થિતિ લાંબો સમય ચાલશે તો નાના ધંધાર્થીઓ માટે અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બનશે. ડીઝલ અને ઇન્ડસ્ટ્રીયલ ઈંધણના ભાવમાં થતા વધારા-ઘટાડાને કારણે પણ બજારમાં અનિશ્ચિતતાનો માહોલ છે. આગામી સમયમાં મોંઘવારી સામાન્ય જનજીવન પર વધુ આકરા પ્રહાર કરે તેવી ભીતિ સેવાઈ રહી છે.એક તરફ વૈશ્વિક રાજનીતિ ગરમાઈ છે, ત્યારે બીજી તરફ ડભોઇના નાના વેપારીઓનો ચૂલો ઠંડો ન પડી જાય તે માટે તેઓ લાકડા વીણીને પણ પોતાનો રોજગાર ચલાવવા મથામણ કરી રહ્યા છે. વહીવટી તંત્ર આ બાબતે કોઈ નક્કર પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠી છે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
