પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે પાટણમાં રૂ. 17.70 કરોડના “અટલ બિહારી વાજપેયી ટાઉનહોલ”નું ખાતમુહૂર્ત

આધુનિક સુવિધાઓથી સજ્જ ટાઉનહોલ શહેરના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે : મંત્રી સ્વરૂપજી ઠાકોર
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિકાસને વધુ ગતિ આપવા માટે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આગવી ઓળખ ઘટક અંતર્ગત ટી.પી.–૧ ના ફાઈનલ પ્લોટ નં. ૭૭૦ ખાતે અંદાજિત રૂ. ૧૭.૭૦ કરોડના ખર્ચે “ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપેયી ટાઉનહોલ”ના નિર્માણ કાર્ય માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લા પ્રભારી મંત્રી તથા રાજ્ય કક્ષાના મંત્રી (ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ) સ્વરૂપજી ઠાકોરના હસ્તે આ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે વિધિવત્ પૂજન અર્ચન કરીને ટાઉનહોલના નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. શહેરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટાઉનહોલ નિર્માણ પામ્યા બાદ પાટણ શહેરમાં સાંસ્કૃતિક, શૈક્ષણિક તેમજ સામાજિક કાર્યક્રમો માટે સુવિધાસભર સ્થળ ઉપલબ્ધ બનશે, જે શહેરના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે પાટણ શહેરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ ટાઉન હોલનું નિર્માણ થવું શહેરના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું છે. અંદાજિત રૂપિયા ૧૭ કરોડથી વધુના ખર્ચે નિર્માણ થનાર આ ટાઉન હોલ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામે ઓળખાશે, જે પાટણના નગરજનો માટે ગૌરવની બાબત છે. તેમણે જણાવ્યું હતું કે આ ટાઉન હોલ ભવિષ્યમાં વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો માટે એક સજ્જ અને સુવિધાસભર કેન્દ્ર તરીકે ઉપયોગી સાબિત થશે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના પ્રભારી તરીકે તેઓ જિલ્લાની નાની-મોટી સમસ્યાઓના નિરાકરણ અને વિકાસના કાર્યોને ગતિ આપવા માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા પાટણ સહિત સમગ્ર ગુજરાતમાં વિકાસના અનેક કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે અને પાટણના વિકાસ માટે સરકાર હંમેશા પ્રતિબદ્ધ છે.
તેમણે પાટણની જનતાને “સૌનો સાથ, સૌનો વિકાસ” ના મંત્ર સાથે વિકાસયાત્રામાં સહભાગી થવા આહ્વાન કરતાં જણાવ્યું હતું કે જનસહકારથી જ શહેરનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. અંતમાં મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પાટણના વિકાસના કાર્યો ક્યાંય અટકશે નહીં અને પ્રભારી તરીકે તેઓ હંમેશા જનતાની સેવા અને જિલ્લાના વિકાસ માટે સદૈવ ઉપલબ્ધ રહેશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, પાટણ જિલ્લા કલેકટર તુષાર ભટ્ટ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, નિવાસી અધિક કલેક્ટર હિરેન ચૌહાણ, નગરપાલિકાના ચીફ ઑફિસર હિરલબેન ઠાકર, તેમજ સંગઠનના હોદ્દેદારો તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
