ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે
શૂન્ય બેલેન્સથી ખુલશે ખાતાં, ઘરબેઠાં પૈસા ઉપાડવાની સુવિધા-પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવેલી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’(વિધવા નાણાકીય સહાય-WFA)નો લાભ હવે મારફતે પણ ઉપલબ્ધ બનશે.
પોસ્ટમાસ્ટર જનરલ એ જણાવ્યું કે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં કુલ 1,47,647 WFA લાભાર્થીઓ હાલમાં પોસ્ટ ઓફિસ ખાતાઓ મારફતે સહાય મેળવી રહ્યા છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા હવે તમામ લાભાર્થીઓના આધાર-સીડેડ આઈપીપીબી ખાતાં ખોલવા માટે પહેલ હાથ ધરવામાં આવી છે,જેથી DBT દ્વારા સહાય સીધી લાભાર્થીઓ સુધી પહોંચાડી શકાય.
આ અનુસંધાને ઉત્તર ગુજરાત હેઠળના અમદાવાદ, ગાંધીનગર,મહેસાણા,પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓમાં પોસ્ટ વિભાગ દ્વારા તા. 14 થી 20 ફેબ્રુઆરી દરમિયાન વિશેષ અભિયાન યોજાશે, જેમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ નવા આઈપીપીબી ખાતાં ખોલવામાં આવશે.
પોસ્ટમાસ્ટર જનરલએ વધુમાં જણાવ્યું કે લાભાર્થીઓ નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી પોતાનું આઈપીપીબી ખાતું ખોલાવી શકે છે. પોસ્ટમેન તથા ગ્રામિણ ડાક સેવકો દ્વારા વિનંતી પર લાભાર્થીના ઘરે જઈને પણ ખાતું ખોલવાની સુવિધા ઉપલબ્ધ રહેશે.
ખાતું ખોલાવવા માટે જરૂરી દસ્તાવેજો:
– આધાર કાર્ડ
– આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર
– બચત ખાતાની પાસબુક
આ ખાતાં શૂન્ય બેલેન્સથી પણ ખોલી શકાય છે. ખાતું ખુલ્યા બાદ તેમાં આધાર સીડિંગ કરવામાં આવશે. જો લાભાર્થી પાસે પહેલેથી આઈપીપીબી ખાતું હોય, તો માત્ર આધાર સીડિંગ કરાવવું જરૂરી રહેશે. આઈપીપીબી ખાતું હાલના પોસ્ટ ઓફિસ બચત ખાતા સાથે પણ લિંક કરી શકાય છે.
પાટણ મંડળના અધિક્ષક હર્ષદભાઈ પરમારે જણાવ્યું કે પાટણ જિલ્લામાં કુલ 18,153 લાભાર્થીઓ પોસ્ટ ઓફિસ ખાતાઓ મારફતે સહાય મેળવી રહ્યા છે. જો કોઈ લાભાર્થીને આઈપીપીબી ખાતું ખોલવામાં મુશ્કેલી પડે, તો સહાય માટે મોબાઇલ નંબર: 6304038100 પર સંપર્ક કરી શકે છે.