હાઈ એજ્યુકેટેડ પતિ-પત્નીનો પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ: ૩૨ વિઘામાં પ્રાકૃતિક ખેતીથી વાર્ષિક વીસેક લાખની કમાણી

આવનારી પેઢી માટે ઝેરમુક્ત અનાજ આપવું છે: અરવિંદભાઈ પટેલ
ગાય આધારિત ખેતીથી જમીન, પર્યાવરણ અને લોકોનું આરોગ્ય ત્રણેયનું રક્ષણ થાય છે: નીલમબેન પટેલ
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કુકરાણા ગામના અરવિંદભાઈ સુખાભાઈ પટેલ (B.Tech Civil) અને તેમની પત્ની નિલમબેન પટેલ (M.A., B.Ed., પીજી ડિપ્લોમા ઇન યોગ) એ શહેરની સુખસગવડો ને છોડીને પ્રાકૃતિક ખેતીને પોતાના જીવનનો માર્ગ બનાવ્યો છે. આજે તેઓ ૩૨ વિઘા જમીનમાં સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. દાડમ તેમનો મુખ્ય પાક છે. તેવા કેટલાંક પા્કોમાં કેસર અને સોનપરીના આંબા, સફેદ ચંદન, ચણા, અડદ, તુવેર, શાકભાજી અને ગાયો માટે ઘાસચારો ઉગાડે છે. છેલ્લા ૯ વર્ષથી તેઓ સતત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આથી તેઓ માત્ર આર્થિક રીતે જ નહીં, ગુણવત્તાસભર અને પોષક ઉત્પાદન માટે પણ ઓળખાયા છે.

તેમના દાડમનું સંપૂર્ણ માર્કેટિંગ તેઓ પોતે જ સંભાળે છે. ગ્રેડિંગ, સોર્ટિંગ અને પેકિંગ તેમના પેકહાઉસમાં થાય છે. પછી, તે બ્રાંગ્લાદેશ, દુબઈ અને ભારતના વિવિધ શહેરોમાં નિકાસ કરે છે. સરકારી સહાયથી મળેલા પેકહાઉસ, ડ્રિપ ઇરીગેશન, સ્પ્રે મશીન, પાણીના ટાંકા અને રોપાઓની મદદથી તેમની ખેતી વધુ મજબૂત બની છે. ચંદન અને આંબાના બગીચા આગામી વર્ષોમાં ઉત્પાદન આપશે. આથી, તેઓ અનુસાર હાલ પ્રાકૃતિક ખેતીથી વાર્ષિક અંદાજે વીસેક લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
અરવિંદભાઈ તેમના પ્રાકૃતિક ખેતીના સંકલ્પને મજબૂત રીતે કહે છે, “રાસાયણિક ખેતીનો માર્ગ સરળ લાગી શકે છે, પણ અમે નિર્ણય કર્યો છે કે આવનારી પેઢીને ઝેરમુક્ત અનાજ આપવું છે. પ્રાકૃતિક ખેતી જ અમારા પરિવાર અને સમાજ માટેનો સાચો વિકાસનો માર્ગ છે.”

પતિની સાથે સહયોગ આપતાં નિલમબેને પોતાની આયુર્વેદિક હોસ્પિટલમાં નોકરી છોડી દીધી. તેમણે સંપૂર્ણ સમય ખેતીને સમર્પિત કરવાનો દૃઢ સંકલ્પ કર્યો. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં, તેઓ જીવામૃત, ગૌમૂત્ર અને દેશી ખાતર બનાવી દાડમ અને અન્ય પાકમાં ઉપયોગ કરે છે. નિલમબેન દૃઢ શબ્દોમાં કહેછે, “અમે પ્રાકૃતિક ખેતીને માત્ર વ્યવસાય તરીકે નહીં, પરંતુ જીવનમૂલ્ય તરીકે અપનાવી છે. ગાય આધારિત ખેતીમાંથી જમીન, પર્યાવરણ અને લોકોનું આરોગ્ય ત્રણેયનું રક્ષણ થાય છે.”
દરરોજ સવારે બંને પતિ-પત્ની ખેતરમાં સાથે કામ કરે છે અને બપોરે ઘરકામ સંભાળે છે. ખેડૂત પરિવારથી મળેલા સંસ્કાર અને સતત જ્ઞાન માટેની લાગણીથી તેમણે ખેતીને વ્યવસાય નહીં, પરંતુ સંકલ્પ બનાવ્યો છે. તેમની સફળતા એ સાબિત કરે છે કે શિક્ષણ અને સંકલ્પ સાથે પ્રાકૃતિક ખેતી અપનાવવામાં આવે તો ખેડૂતો આત્મનિર્ભર બની શકે છે અને ખેતીને નફાકારક વ્યવસાયમાં ફેરવી શકે છે.
