રાણીની વાવ ઉત્સવ 2026નું ભવ્ય આયોજન

7 અને 8 ફેબ્રુઆરીએ પાટણમાં સાંસ્કૃતિક મહોત્સવ: જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર દ્વારા ઉત્સવનું ઉદઘાટન
પાટણ: ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર પાટણ દ્વારા દર વર્ષે પરંપરાનુસાર આ વર્ષે પણ રાણીની વાવ ઉત્સવ 2026નું આયોજન 07 અને 08 ફેબ્રુઆરી 2026ના રોજ રાણીની વાવ પરિસરમાં કરવામાં આવ્યું છે.
યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં રાણીની વાવની નોંધણીની યાદમાં ગુજરાત સરકાર દર વર્ષે આ ઉત્સવનું આયોજન કરે છે. આ ઉત્સવ દરમિયાન ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક આયોજનથી પ્રદર્શન થશે.
7 ફેબ્રુઆરી 2026ના રોજ બલરાજ શાસ્ત્રી અને ગ્રૂપ દ્વારા સંગીતની મહેફિલ યોજાશે અને ભરૂચનું પ્રખ્યાત સીદી ધમાલ લોકનૃત્ય રજૂ કરવામાં આવશે. 8 ફેબ્રુઆરી 2026ના રોજ ઋષભ આહીર અને ગ્રૂપ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે.
આ બંને દિવસ દરમિયાન રાણીની વાવને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવશે. ઉત્સવનો ઉદઘાટન પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર દ્વારા કરવામાં આવશે.
આ બંને દિવસ યોજાનારા રણીની વાવ ઉત્સવમાં પાટણ જિલ્લાના નાગરિકો અને પ્રવાસીઓને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા જિલ્લા વહીવટીતંત્ર, પાટણ દ્વારા દિલથી આમંત્રણ આપવામાં આવે છે.
