ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર, પાટણની કાર્યવાહી: અમાન્ય લાઇસન્સ અને લેબલિંગ વગરના ૪૯ કિલો ઘીનો જથ્થો સીઝ

ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર, પાટણ દ્વારા મળેલી બાતમીના આધારે પાટણ વિસ્તારમાં વિશેષ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન પાટણ રોડલાઇન્સ ટ્રાન્સપોર્ટ (માલિક – પરેશભાઈ મોદી) દ્વારા પરિવહન કરવામાં આવતા ઘીનો જથ્થો મળી આવ્યો હતો.
પૂછપરછ દરમ્યાન પરેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે ઘી અરબાઝખાન હનીફભાઈ શેખ દ્વારા ટ્રાન્સપોર્ટ માટે આપવામાં આવેલ છે, પરંતુ તે અંગે કોઈ માન્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા.
સ્થળ પરથી ૫ કિલોના ટીનના કુલ ૧૦ ડબ્બા મળી આવ્યા હતા, જેમા કોઈ પ્રકારનું ફરજિયાત લેબલિંગ કરવામાં આવ્યું નહોતું. ઉપરાંત, પરિવહન માટે જરૂરી બિલ/ઇન્વોઇસ પણ રજૂ કરવામાં આવ્યા નહોતા. વધુમાં, સંકળાયેલા પક્ષ પાસે ખાદ્ય વ્યવસાય માટે માન્ય FSSAI લાઇસન્સ ઉપલબ્ધ નહોતું.
આ રીતે કુલ અંદાજે ૪૯ કિલો ઘીનો જથ્થો, જેની અંદાજિત કિંમત રૂ. ૩૪,૩૦૦/- થાય છે, સીઝ કરવામાં આવ્યો છે. સંબંધિત અરબાઝખાન હનીફભાઈ શેખ પાસેથી નમૂનો લઈ તેને લેબોરેટરી ખાતે ચકાસણી માટે મોકલવામાં આવ્યો છે.
લેબોરેટરીનો અહેવાલ પ્રાપ્ત થયા બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 મુજબ જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ સાથે ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા તમામ વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોને સૂચના આપવામાં આવે છે કે તેઓ માન્ય લાઇસન્સ, યોગ્ય લેબલિંગ તેમજ જરૂરી દસ્તાવેજો સાથે જ ખાદ્ય પદાર્થોનો વ્યવસાય અને પરિવહન કરે, અન્યથા નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
