સુઈગામ-રાધનપુર બસમાં કંડક્ટરની મનમાની

છૂટા પૈસા ન હોવાથી બસ રસ્તામાં ઉભી રાખી, વીડિયો ઉતારતા પત્રકારને પણ અટકાવ્યા
કેપિટલ મેસેજ, ન્યુઝ
સુઈગામ તાલુકા સેવાસદન ખાતે આંગણવાડી કાર્યકર બહેનો માટે યોજાયેલી તાલીમ પૂર્ણ થયા બાદ સાંજે આશરે ચાર વાગ્યાના સમયે બહેનો સુઈગામથી રાધનપુર જતી બસમાં ઘરે પરત ફરી રહી હતી. તે દરમિયાન સુઈગામ–રાધનપુર રૂટ પર દોડતી બસ નં. GJ-18-Z-4605 ના કંડક્ટર દ્વારા છૂટા પૈસાની બાબતે મનમાની કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ આંગણવાડી કાર્યકર બહેનો ટિકિટ માટે પૈસા આપતા કંડક્ટરે છૂટા પૈસા માંગ્યા હતા. પરંતુ છૂટા ન હોવાને કારણે કંડક્ટરે બસને રસ્તાની સાઈડમાં ઉભી રાખી દીધી હતી અને “છૂટા પૈસા નહીં આપો ત્યાં સુધી બસ આગળ નહીં લઈ જાઉં” તેવી મનમાની વૃત્તિ દાખવી હોવાનું મુસાફરો દ્વારા જણાવાયું છે. જેના કારણે બસમાં બેઠેલા મુસાફરો, ખાસ કરીને તાલીમ પૂર્ણ કરીને પરત ફરી રહેલી આંગણવાડી બહેનોને લાંબા સમય સુધી અનાવશ્યક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ઘટના સમયે બસમાં સુઈગામ તાલુકાના જાગૃત નાગરિક તથા પત્રકાર પણ હાજર હતા. જ્યારે બનાવનો વીડિયો ઉતારવામાં આવી રહ્યો હતો ત્યારે કંડક્ટરે બનાસ રત્ન ન્યૂઝના પત્રકારને વીડિયો ઉતારવાની મનાઈ કરી હતી તેમજ તેમનો આઈકાર્ડ માંગીને તેના ફોટા પણ પડ્યા હોવાની માહિતી મળી છે.
આ ઘટનાની જાણ સુઈગામના જાગૃત નાગરિક હસમુખભાઈ બઢીયા દ્વારા રાધનપુર બસ સ્ટેન્ડ ખાતે ફોન કરીને કરવામાં આવી હતી. ઉપરાંત મદદ માટે 100 નંબર પર પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમ છતાં રાધનપુર ડેપોને જાણ કરવા છતાં તાત્કાલિક અસરકારક પગલાં લેવાયા ન હોવાનું સામે આવ્યું છે.
આ બનાવને લઈને મુસાફરોમાં ભારે રોષ ફેલાયો છે. રાજ્ય પરિવહન નિગમના જવાબદાર તંત્ર દ્વારા આવા મનમાની વર્તન કરતા કંડક્ટર સામે કાયદાકીય જોગવાઈ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
