૨૦૨૫ના રાજ્ય કક્ષાના દિવ્યાંગ પારિતોષિકો માટે પાટણ જિલ્લામાંથી અરજીઓ મંગાવવામાં આવી
વર્ષ ૨૦૨૫ માટે રાજ્ય કક્ષાના દિવ્યાંગ પારિતોષિકો માટે પાટણ જિલ્લાના લાયક દિવ્યાંગ ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં સાધનિક દસ્તાવેજો સાથે અરજીઓ મંગાવવામાં આવે છે.
રાજ્ય કક્ષાના પારિતોષિક માટે નીચે મુજબની કેટેગરી નક્કી કરવામાં આવી છે:
(૧) શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ / સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ
(૨) દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા
(૩) દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સ
“રાજ્ય કક્ષા”ના પારિતોષિક માટે અરજી નિયત નમૂનામાં જ રજુ કરવાની રહેશે.
દિવ્યાંગ પારિતોષિક માટેનો અરજીઓનો નમૂનો અત્રેના ખાતાની સત્તાવાર વેબસાઇટ https://anubandham.gujarat.gov.in ઉપરથી તેમજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ ખાતેથી વિના મૂલ્યે મેળવી શકાશે. અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું દાક્તરી પ્રમાણપત્ર, અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્રો તથા ખોડ દર્શાવતા પોસ્ટકાર્ડ સાઇઝના ફોટા સહિત બિડાણ સામેલ રાખવા. નોકરીદાતા તથા પ્લેસમેન્ટ ઓફિસરે પણ ફોર્મમાં દર્શાવેલ તમામ કોલમ મુજબ સંપૂર્ણ વિગતો જણાવવી તેમજ તેને સંબધિત જરૂરી બિડાણો સામેલ કરવા.
ભરેલા અરજીપત્રકો સાધનિક દસ્તાવેજો સહિત બે નકલમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણને મોડામાં મોડા તા. ૨૭/૦૨/૨૦૨૬ સુધી રૂબરૂ અથવા ટપાલ દ્વારા જરૂરી બિડાણો સહિત મળી જાય તે રીતે મોકલી આપવા જણાવવામાં આવે છે.
અધૂરી વિગત વાળી/નિયત સમય મર્યાદા બાદની આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં.
વધુ માહિતી માટે જરૂર જણાય તો જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણનો સંપર્ક સાધવા જણાવવામાં આવે છે.